વડોદરા બોટ કાંડમાં નાની બાળકીને હાથમાં ઊંચકીને હોસ્પિટલમાં દોડ લગાવનાર મહિલા કોણ, જાણો સમગ્ર મામલો

ગઇકાલના રોજ વડોદરામાં મોટી દુર્ઘટના ઘટી, હરણી તળાવમાં બોટ પલટી જવાને કારણે 13 બાળકો અને 2 શિક્ષકો સહિત 15 લોકોનાં મોત થયા હોવાની વિગત સામે આવી. બોટ દુર્ઘટનાનું કારણ કેપેસિટી કરતાં વધુ લોકોને બેસાડ્યા હોવાનું સામે આવ્યુ છે. આ બધા બાળકો ન્યૂ સનરાઈઝ સ્કૂલના હતા, જે સવારે 8 વાગ્યે પિકનિક પર ગયા હતા.

બોટમાં સવાર કોઈએ લાઈફ જેકેટ પણ નહોતા પહેર્યા. ઉલ્લેખનીય છે કે, હરણીના મોટનાથ તળાવમાં થયેલ દુર્ઘટનાની CM ભૂપેન્દ્ર પટેલ સરકારે ગંભીરતાથી નોંધ લીધી અને સરકારે મેજિસ્ટ્રેટને 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. ત્યાં આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેઓ ઘટનાની જાણ થતા તાત્કાલિક વડોદરા દોડી ગયા હતા અને ગંભીરતાને ધ્યાને લઇ તેમણે ઉચ્ચ કક્ષાએ તપાસના આદેશ જારી કર્યા છે.

હવે આ બધા વચ્ચે કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં એત મહિલા એક બાળકીને ખોળામાં ઊંચકી હોસ્પિટલમાં દોટ મૂકતા જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, આ મહિલા બીજા કોઇ નહિ પણ જાગૃતિબેન કાકા છે, જે એક કોર્પોરેટર છે અને આ પહેલા તેઓ હોસ્પિટલને લઈને ઘણી વખત ચર્ચામાં પણ આવી ચૂક્યા છે. દુર્ઘટના બાદ બાળકોને હોસ્પિટલ લઈ જવાયા હતા અને પરિવાર પોતાના બાળકોના જીવ બચાવવા હોસ્પિટલમાં દોડી રહ્યો હતો.

ત્યારે આ વચ્ચે કોર્પોરેટર જાગૃતિબેન કાકા પણ એક બાળકીને ખોળામાં ઊંચકી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ કહી રહ્યા હતા ડોક્ટરને મોકલો, જલદી આની સારવાર કરો. પ્રાપ્ત વિગત અનુસાર, વિદ્યાર્થીઓ હરણી તળાવ પર પિકનિક માટે આવ્યા હતા અને દુર્ઘટના ઘટી. એવું કહેવાઇ રહ્યુ છે કે બોટમાં જે બાળકો હતા તેઓ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ હતા.

આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી કહ્યુ- વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાને કારણે બાળકો ડૂબી જવાની ઘટના અત્યંત હ્રદય વિદારક છે. હું મૃતક બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરુ છું. દુ:ખની આ ઘડીમાં પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ ઉપરાંત તેમણે ઘાયલો જલ્દી સ્વસ્થ થઇ જાય તેવું પણ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, પીએમઓ તરફથી મૃતકના પરિવારજનને 2 લાખ અને ઘાયલોને 50,000ની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

સાભાર : ન્યુઝ 18 ગુજરાતી

Shah Jina