ભારતીય વિદ્યાર્થી મોહમ્મદ અબ્દુલ અરફાતનો મૃતદેહ આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં યુએસના ક્લીવલેન્ડમાં મળી આવ્યો હતો, ત્યારે હવે ગઇકાલે એટલે કે મંગળવારના રોજ તેનો મૃતદેહ વિદેશથી ભારતમાં હૈદરાબાદમાં તેના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. અરફાત 7 માર્ચથી ગુમ હતો અને ક્લીવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર કરી રહ્યો હતો.
મૃતકના પિતાએ સરકારને વિનંતી કરી હતી કે તેમના દીકરાના મૃતદેહને ભારત પરત લાવવામાં આવે. ભારતીય વિદ્યાર્થીના મોત બાદ ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વિટમાં કહ્યું હતુ કે તે મોહમ્મદ અબ્દુલ અરફાતના મૃત્યુ વિશે જાણીને દુઃખ છે અને તેમના મૃત્યુની સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે. એ જાણીને દુઃખ થાય છે કે મોહમ્મદ અબ્દુલ અરફાત, જેના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું તે ક્લીવલેન્ડ, ઓહાયોમાં મૃત હાલતમાં મળી આવ્યા છે.
અમે તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. મૃતદેહને ભારત લાવવા માટે શોકગ્રસ્ત પરિવારને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. 25 વર્ષીય અરફાત મે 2023માં અમેરિકા ગયો હતો પરંતુ આ વર્ષે 7 માર્ચથી ગુમ હતો. અબ્દુલનું કોઈએ અપહરણ કર્યું હતું, અપહરણકારોએ હૈદરાબાદમાં રહેતા તેના પિતા પાસેથી લગભગ 1 લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી.
તેઓએ એવી ધમકી પણ આપી હતી કે જો પૈસા નહીં મળે અથવા પોલીસને જાણ કરવામાં આવશે તો તેઓ અબ્દુલની કિડની વેચી દેશે. અબ્દુલના પિતાના જણાવ્યા મુજબ અપહરણકારોએ પૈસા કેવી રીતે મોકલવા તે જણાવ્યું ન હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વર્ષે અમેરિકામાં ભારતીયોના મોતનો આ 11મો કેસ છે. આ સમય દરમિયાન મોટાભાગે વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવે છે.