ટીમ ઇન્ડિયાની સતત બીજી હાર બાદ સોશિયલ મીડિયા પર ચાહકો ઠાલવી રહ્યા છે ગુસ્સો, શેર કર્યા એવા એવા મીમ્સ કે…

ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2021માં વધુ એક કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ખિતાબના પ્રબળ દાવેદાર મનાતા વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમનો જુસ્સો તૂટતો જોવા મળ્યો હતો. ભારતીય ટીમના બેટ્સમેનોએ રવિવારે દુબઈમાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 110 રન બનાવ્યા. કેન વિલિયમસનની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડે માત્ર બે વિકેટ ગુમાવીને 14.3 ઓવરમાં સરળ લક્ષ્યાંકનો પીછો કરી લીધો હતો.

વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની આ સતત બીજી હાર હતી. આ પહેલા તેઓ પાકિસ્તાન સામે 10 વિકેટે હાર્યા હતા. ટીમ ઈન્ડિયાના પ્રદર્શનથી ક્રિકેટ જગત ચોંકી ગયું છે. ટ્વિટર યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. વિરાટ કોહલી ટી20 કેપ્ટન તરીકે તેની છેલ્લી ટૂર્નામેન્ટ રમી રહ્યો છે અને ટ્વિટર યુઝર્સ તેની સામે આરોપો લગાવવામાં અચકાતા નથી.

રવિવારે ભારતીય ટીમની કારમી હાર બાદ ટ્વિટર પર મીમ્સનો દોર જોવા મળ્યો હતો. ટ્વિટર યુઝર્સે ભારતીય ટીમની ઉગ્ર મજાક ઉડાવી હતી. ન્યૂઝીલેન્ડની બોલિંગ સામે વિશ્વનો સૌથી મજબૂત ભારતીય બેટિંગ ઓર્ડર ખરાબ રીતે ચકનાચૂર થઈ ગયો હતો.

કેએલ રાહુલ, વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, ઋષભ પંત જેવા તોફાની બેટ્સમેનોથી સજ્જ ટીમ ઈન્ડિયાને કિવીએ ખલીને રમવા જ ના દીધી અને આઇીસી ટી20 વિશ્વ કપના ક્વાર્ટર ફાઇનલ માનવામાં આવેલ મુકાબલામાં વિરાટ કોહલીની ટીમ સાત વિકેટ પર 110 રન જ બનાવી શકી.

જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 14.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. જ્યારે ટી20 વર્લ્ડ કપ 2021માં ન્યૂઝીલેન્ડની આ પહેલી જીત છે, ત્યારે હવે ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવું લગભગ અશક્ય બની ગયું છે. આ જ કારણ છે કે ભારતીય બેટ્સમેનોને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર તો જાણે મીમ્સનો વરસાદ આવી ગયો છે. એક યુઝરે લખ્યુ- કયારે ખૂન ખોલશે તારુ ? તો એક અન્ય યુઝરે વિરાટ કોહલીની તસવીર શેર કરી લખ્યુ- વિરાટ કોહલીએ દીવાળી પર ફટાકડા ફોડવાનુ જ્ઞાન આપ્યુ એની જગ્યાએ ક્રિકેટ મેચ રમવામાં અને રણનીતિ બનાવવા પર ધ્યાન આપ્યુ હોત તો સતત આ બીજી હાર ના હોતી.

એક યુઝરે વિરાટ કોહલી, રોહિત શર્મા અને કોચની ઉદાસી વાળી તસવીર શેર કરી લખ્યુ- આ ત્યારે થયું જ્યારે તમે IPL પર ધ્યાન કેન્દ્રિત કરો છો નહીં કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર, ભારતીય ટીમ દ્વારા દયનીય પ્રદર્શન…

એક યુઝરે ફિલ્મ “3 ઇડિયટ્સ”ની સ્ટુડેંટ રિઝલ્ટ જોતા હોય તેવી તસવીર શેર કરી લખ્યુ- ઇન્ડિયન ચાહકો જયારે પોઇન્ટ ટેબલ ચેક કરે ત્યારે… નીચે સે ચેક કર નીચે સે. ત્યારે એક યુઝરે તો પેટ્રોલની કિંમત સાથે સરખાવી કમેન્ટ કરતા લખ્યુ- કમ સે કમ પેટ્રોલની કિંમતથી તો થોડુ વધારે જ મારી દેતા.

Shah Jina