હૈદરાબાદના રવિ તેજાની અમેરિકામાં હત્યા, અજાણ્યા હુમલાખોરે મારી ગોળી
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા, વોશિંગટનમાં અપરાધીએ લીધો જીવ
તેલંગાણાની રાજધાની હૈદરાબાદના વિદ્યાર્થી રવિ તેજાની વોશિંગ્ટન ડીસીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે 2022 માં માસ્ટર્સ કરવા માટે યુએસ ગયો હતો. દીકરાની હત્યા બાદ પરિવારમાં શોકનું વાતાવરણ છે. માહિતી અનુસાર, હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો, જેના પરિણામે તેનું મોત થયું. અમેરિકામાં તેલુગુ લોકો વિરુદ્ધ નફરતના ગુનાઓ વધી રહ્યા છે.
આ ઘટના પણ આ શ્રેણીનો એક ભાગ હોઈ શકે છે. રવિ તેજાના પિતાએ આ ઘટના પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યુ. તેમણે કહ્યું કે હું કંઈ કહી શકતો નથી, કોઈ પિતા આવું કરી શકે નહીં. કોઈને પણ આવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે. મારો દીકરો કેવી રીતે ગયો અને કેવી રીતે પાછો ફરી રહ્યો છે. જણાવી દઈએ કે રવિ તેજા હૈદરાબાદના ચૈતન્યપુરી વિસ્તારનો રહેવાસી હતો. આ ઘટના એવા સમયે બની છે જ્યારે વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ સામે હિંસાની ઘટનાઓ વધી રહી છે.

જણાવી દઇએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે તે દિવસે જ ભારતીય વિદ્યાર્થીની હત્યાની ઘટના પ્રકાશમાં આવી. તાજેતરના વર્ષોમાં અમેરિકામાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓની શંકાસ્પદ પરિસ્થિતિઓમાં હત્યા કરવામાં આવી છે અથવા તેમના મૃત્યુ થયા છે. વર્ષ 2024માં જ આવી લગભગ એક ડઝન ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે.