અમદાવાદમાં પરીક્ષા આપવા આવેલી મહિલાનું બાળક રડતું હોવાના કારણે થઇ રહી હતી પરેશાન, ત્યારે જ યશોદા બનીને આવી મહિલા પોલીસકર્મી, તસવીરોએ જીત્યા દિલ

આ મહિલા પોલીસકર્મીની ભાવનાને સલામ ! પરીક્ષા આપવા આવેલી મહિલાના બાળકને સાચવ્યું, DGPએ પણ કર્યું સન્માન.. જુઓ તસવીરો

Humanity of Gujarat Women Policemen : પોલીસ વિશે ઘણા લોકોમાં એક ખરાબ માન્યતા ઘર કરી ગઈ છે. પરંતુ દરેક પોલીસકર્મીની ભાવના અલગ હોય છે, પ્રજાનું રક્ષણ કરનારી પોલીસ ઘણીવાર એવા કામ પણ કરતી હોય છે જે લોકોના પણ દિલ જીતી લે છે. હાલ એવો જ એક નજારો અમદાવાદમાં જોવા મળ્યો. જ્યાં પરીક્ષા આપવા આવેલી એક મહિલાના બાળકને એક મહિલા પોલીસકર્મીએ સાચવ્યું  અને મહિલાએ શાંતિથી પરીક્ષા આપી.

પટાવાળા કલાસ 4ની પરીક્ષા માટે આવી હતી મહિલા :

ગત રવિવારના રોજ ગુજરાતની અંદર હાઇકોર્ટ પટાવાળા કલાસ 4ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવી હતી. રાજ્યભરમાં ઘણા લોકોએ આ પરીક્ષા આપી. ત્યારે ઓઢવમાં આવેલી આર.ટી. ન્યુ હાયર સેકેન્ડરી શાળામાં એક મહિલા પણ પરીક્ષા આપવા માટે આવી હતી. મહિલાની સાથે તેનું 6 મહિનાનું બાળક પણ હતું. પરંતુ દીકરા સાથે પરીક્ષા આપવી તેમના માટે થોડી મુશ્કેલ હતી.

રડતા બાળકના લીધે થતી હતી પરીક્ષા આપવામાં મુશ્કેલી :

9.45 કલાકે તેમની પરીક્ષા શરૂ થવાની હતી, ત્યારે જ ત્યાં ફરજ બજાવી રહેલા મહિલા પોલીસકર્મી દયાબેનની દયા જાગી અને તેમને એ મહિલાને બાળકને સાચવી લેવા માટે કહ્યું. જેનાથી તે મહિલા પરીક્ષા આપી શકે અને તેમને કોઈ અવરોધ ના થાય. દયાબેને બાળકને હાથમાં લીધું અને યશોદા બનીને બાળકની સંભાળ રાખી. બપોરે 12.30 કલાકે પરીક્ષા પૂર્ણ કર્યા બાદ મહિલા બહાર આવી ત્યારે દયાબેને હસતું રમતું બાળક તેમને સુપ્રત કર્યું.

મહિલા પોલીસકર્મીએ સાચવ્યું બાળક :

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં બાળક સાથે દયાબેનની ઘણી તસવીરો પણ વાયરલ થઇ રહી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે દયાબેન એક માતાની જેમ બાળક સાથે વ્હાલ કરી રહ્યા છે અને બાળક પણ ખુબ જ ખુશ છે. ત્યારે તેમના આ કાર્યને પોલીસ દ્વારા પણ બિરદાવવામાં આવ્યું. ગુજરાતના DGP વિકાસ સહાયે દયાબેનનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યું હતું.

DGPએ કર્યું સન્માન :

અમદાવાદ પોલીસે દ્વારા ટ્વિટર પર દયાબેનની બાળક સાથેની તસવીરો શેર કરવામાં આવી છે, જેના કેપશનમાં લખ્યું છે, “ઓઢવ ખાતે પરીક્ષા આપવા માટે આવેલ મહીલા પરીક્ષાર્થીનુ બાળક રોતું હોય જેથી મહિલા પરીક્ષાથીનું પેપર દરમિયાન સમય બગડે નહીં અને પરીક્ષા વ્યવસ્થિત રીતે આપી શકે તે સારું મહિલા પોલીસ કર્મચારી દયાબેન નાઓએ માનવીય અભિગમ દાખવી બાળકને સાચવેલ જેથી માનવીય અભિગમ દાખવવામાંઆવેલ છે !”

Niraj Patel