સુરતમાં હાર્ટ એટેકે લીધો વધુ એક યુવકનો જીવ, કામ કરતા કરતા અચાનક ઢળી પડ્યો, બે સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા

સુરતમાં બે સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા, પરિવારનો છીનવાયો સહારો, મજૂરી કામ કરી ગુજરાન ચાલવતા યુવકને ભરખી ગયો હાર્ટ એટેક..

Youth dies of heart attack in Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત વધી રહ્યા છે, ઘણા લોકો હાર્ટ એટેકનો ભોગ બનીને મોતને પણ ભેટતા હોય છે. ખાસ કરીને યુવાનો અને નાના બાળકોમાં હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. તેમાં પણ કોરોના બાદ હાર્ટ એટેકના મામલામાં મોટો ઉછાળો આવ્યો છે, રોજ બરોજ કોઈને કોઈનો જીવ હાર્ટ એટેકથી ગયો હોવાની ખબરો સામે આવતી રહે છે, ત્યારે હાલ સુરતમાંથી પણ એક યુવકનો જીવ હાર્ટ એટેકે લીધો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સચિન વિસ્તારમાં ટ્રક લોડિંગનું કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના વતની 40 વર્ષીય લાલચંદ સરોજ નામના વ્યક્તિ ભંગારના ગોડાઉનમાં ટ્રક લોડિંગનું કામ કરી રહ્યા હતા, આ દરમિયાન જ તેમની તબિયત અચાનક લથડતા તેઓ બેભાન થઇ ગયા હતા. જેના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ લઇ જવામા આવ્યા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

લાલચંદ છેલ્લા 10 વર્ષથી એકલા જ સુરતમાં રહે છે અને મજૂરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે, તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે, જેઓ તેમના વતનમાં રહે છે. તેમના નિધનની ખબર મળતા જ પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ સાથે જ પરિવારે પણ તેમનો આર્થિક સહારો ગુમાવ્યો. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્મ માટે ખસેડવામાં આવ્યો છે, જેના બાદ તેમના મોતનું સાચું કારણ ખબર પડશે.

Niraj Patel