ગાંધીનગરમાં લૂંટેરી દુલ્હનો લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવી ગઈ, લગ્નના થોડા જ દિવસમાં 3 યુવાનો છેતરાયા, 3 દુલ્હનો સમેત 5 લોકો સામે નોંધાઈ ફરિયાદ
Robber Brides Beat Up 3 Youths : ગુજરાતની અંદર ઘણા બધા લોકોના લગ્ન હજુ પણ નથી થયા અને તેમની લગ્ન કરવા માટેની અદમ્ય ઈચ્છાઓ પણ હોય છે તે છતાં પણ તેમને કન્યા નથી મળતી, ત્યારે આવા લગ્નેચ્છુક યુવકો ઘણીવાર લૂંટેરી દુલ્હનના ચક્કરમાં પણ ફસાય છે અને લાખો રૂપિયા વેડફી નાખતા હોય છે, હાલ આવી જ એક ઘટના ગાંધીનગરમાંથી સામે આવી છે, જ્યાં લગ્નના 15 દિવસ બાદ જ 3 મુરતિયાઓ છેતરાયા અને કન્યાઓ લાખો રૂપિયા લઈને ફરાર થઇ ગઈ.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના રૂપાલ ગામનો યુવાન ચિન્મય પટેલના લગ્ન માટે છોકરી શોધવાનું ચાલુ હતું, ત્યારે ત્રણેક મહિના પહેલા ગામમાં રહેતા શૈલેષભાઇ કનુભાઈ પટેલે તેમને એક કન્યા બતાવી અને કન્યા પસંદ આવતા આગળ વાત ચાલી, જેના બાદ ચિન્મય પોતાના પરિવાર સાથે ચીખલીથી દૂર એક ખેતરમાં આવેલા ઘરમાં કન્યા જોવા ગયા, આ ઘર કન્યાના મામાનું હોવાનું ક્હેવામાં આવ્યું હતું.
જેના બાદ કન્યાની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાનું કહી ખર્ચ આપવા માટે જણાવતા 3 લાખ રૂપિયા રોકડા કન્યાના જીજાજીને આપ્યા હતા, જેના બાદ 17 ફેબ્રુઆરીના રોજ સેક્ટર 24માં આવેલા આર્ય સમાજની વાડીમાં પરિવારની હાજરીમાં માનસી સાથે લગ્ન પણ કર્યા, લગ્ન બાદ ચિન્મયે 28 હજારનો મોબાઈલ પણ ભેટમાં આપ્યો, લગ્નના 15 દિવસ બાદ કન્યા પોતાના પિયર ગઈ અને ફરી પરત આવી 10 દિવસ બાદ દાંતની ટ્રીટમેન્ટ કરાવવાનું કહીને પાછી ગઈ.
જેના બાદ ચિન્મય પાસે 24 હજારની માંગણી કરતા ચિન્મયે અમદાવાદમાં સારવાર કરવાનું કહ્યું, જેના બાદ માનસીએ કોર્ટમાં મળીશું એમ કહીને ફોન કાપી નાખ્યો, આ બાબતે વચેટિયા શૈલેષભાઈને જાણ કરતા તેઓએ 15 દિવસનો સમય માંગ્યો પરંતુ કન્યા પાછી ના આવી. જેના બાદ તપાસ કરતા માલુમ પડ્યું કે શૈલેષ પટેલે આજ રીતે રૂપાલ ગામના મેહુલના પણ લગ્ન કરાવ્યા હતા અને તે પણ લગ્ન બાદ 40 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી ભાગી ગઈ હતી.
આ ઉપરાંત રાંધેજા ગામના સંદીપના લગ્ન પણ શૈલેષ પટેલે કરાવ્યા હતા અને તે કન્યા પણ 50 લાખ લઈને છુમંતર થઇ ગઈ જોવાનું સામે આવતા ત્રણેય લોકોએ શૈલેષ પટેલને મળવા બોલાવ્યા હતા. જેમાં શૈલેષે બાંહેધરી આપી હતી કે તેમની પત્નીઓને તે પાછી લાવશે નહિ તો લગ્નનો બધો જ ખર્ચો તે આપશે, પરંતુ આજદિન સુધી ના કન્યાઓ પાછી આવી ના પૈસા. આ સાથે શૈલેષ પટેલ પણ ફરાર થઇ ગયો હતો, જે મામલે તેને પોલીસ ફરિયાદ નોંધાવી છે.