ખબર

ક્રિકેટ અને જિમ બાદ હવે મોપેડ પર બેસીને વાત કરી રહેલા યુવાનને આવ્યો હાર્ટ એટેક, પિતાની આંખો સામે જ ઢળી પડ્યો, જુઓ વીડિયો

પપ્પા સાથે મોપેડ પર સામ સામે બેસીને વાત કરી રહેલા દીકરાનું અચાનક થયું મોત, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના CCTVમાં કેદ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સામે આવી રહેલા હાર્ટ એટેકના મામલાઓ હવે ચિંતાજનક બન્યા છે. ઘણા નાની ઉંમરના યુવાનોને પણ ક્રિકેટ રમતા રમતા અથવા તો જિમમાં હાર્ટ એટેક આવી ચુક્યા છે. જેમાં તેમના મોત પણ નિપજ્યા છે. ત્યારે હાલ વધુ એક મામલો ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાંથી સામે આવ્યો છે. જ્યાં એક યુવકને મોપેડ પર બેસીને વાત કરતા કરતા જ હાર્ટ એટેક આવી ગયો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર દમણમાં આવેલા દેવકા તાઇવાડમાં રહેતા અને હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા 52 વર્ષીય દિપક ભંડારી નામના વ્યક્તિ ગત રોજ સવારના 10થી 10:30ના સમયગાળા દરમિયાન હોટલના કમ્પાઉન્ડમાં મોપેડ પર બેસીને વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પિતા પણ તેમની સામે જ બીજા મોપેડ પર બેઠા હતા અને એક ભાઈ પણ બાજુમાં ઉભો હતો.

આ દરમિયાન જ દીપકભાઈ અચાનક મોપેડ પરથી નીચે પડી ગયા. ત્યાં હાજર લોકો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં પણ લઇ ગયા. જ્યાં તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. આ સમગ્ર ઘટના સામે લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે તેમના મોતની ખબરના કારણે લોકોમાં પણ ચકચારી મચી ગઈ છે.

દીપકભાઈ દેવકાની એક પ્રતિષ્ઠિત હોટલના માલિક હતા અને તેમના મોતના કારણે લોકોમાં પણ ઊંડો શોક જોવા મળી રહ્યો છે. દીપકભાઈના પિતાએ જણાવ્યું હતું કે તેમનો દીકરો એકદમ સ્વસ્થ હતો. છતાં તેને આ રીતે અચાનક હાર્ટ એટેક આવવો ચિંતાજનક છે. ત્યારે હાર્ટ એટેકના કારણે આ રીતે વધુ એક યુવકનું મોત થવું એ ચિંતાનો વિષય પણ બન્યો છે.