મહીસાગર : હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારીએ ડોક્ટરના ત્રાસથી કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યુ- તારા સપના ના પૂરા કરી શક્યો…

‘તારા બે સપના હું પૂરા ન કરી શક્યો’, મારા પહેલા ડોક્ટરનો ભાંડો ફોડતો ગયો કર્મચારી, જાણો શું છે આખો મામલો

Mahisagar Suicide Case : ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, માનસિક હેરાનગતિ અથવા તો અન્ય કારણો હોય છે. ત્યારે હાલમાં મહીસાગરમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. મહિસાગર જિલ્લા ક્ષય કેન્દ્રમાં નોકરી કરતા કર્મચારીએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ છે. યુવાન વયના કર્મચારીના આપઘાત બાદ પરિવાર ઘેરા આઘાતમાં છે. ઉલ્લેખનીય છે કે, મૃતકે આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી છે, જેના શબ્દો હૃદયમાં ફાળ પાડનારા છે.

સુસાઇડ નોટમાં યુવકે લખ્યું કે તે પોતાના ત્યાં કામ કરતા એક ડોક્ટરને કારણે પરેશાન થઈ ગયો છે અને તેના કારણે આપઘાત કરી રહ્યો છે. હાલ તો પોલીસે સુસાઇડ નોટ કબજે કરી તપાસ શરૂ કરી છે. મનોજ પટેલના આપઘાત બાદ ચકચાર મચી ગઇ છે. મનોજ પટેલે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે, “હું કોઇ બીજા ત્રાસથી નહી પણ જીલ્લા ક્ષય કેન્દ્રની અંદર મયુર સોનીના લીધે જીવન ટૂંકાવી રહ્યો છું.”

પોલીસને જે સુસાઇડ નોટ મળી તેમાં મયૂર સોની સિવાય જિલ્લા ક્ષય કેન્દ્રના ડોક્ટર ધર્મેન્દ્ર ચૌહાણનું પણ નામ હતુ, જે વારંવાર કામને લઈને દબાણ કરતા હતા. આ ઉપરાંત મૃતકે સુસાઇડ નોટમાં માતા-પિતા અને પત્નીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં લખ્યુ હતુ કે મારા મમ્મી પપ્પા ગમે તેવા છે પણ લેટગોની ભાવના રાખીને પોતાનું જીવન સારી રીતે જીવજે. તારા બે સપના હતા એ હું પૂર્ણ કરી શક્યો નહીં તે બદલ માફી માગું છું. તને આટલે બધે દૂરથી લાવ્યો તેમજ તને દુખી કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો.

આ ઉપરાંત સુસાઇડ નોટમાં કોની જોડેથી પૈસા લીધેલ તેનો પણ ઉલ્લેખ છે અને બેંકમાં ખોલાવેલ ખાતાનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત મયુર સોનીને તેની બહેનનાં લગ્નમાં 50,000 વ્યાજે આપેલ રોકડાનો પણ ઉલ્લેખ છે.જણાવી દઇએ કે, છેલ્લા કેટલાય સમયથી મયુર સોની દ્વારા મૃતક મનોજને કામને લઈને પરેશાન કરવામાં આવતો અને સરકારી હોસ્પિટલનાં ર્ડાક્ટર દ્વારા અવાર નવાર નશાની હાલતમાં ફોન કરીને ધમકી આપવામાં આવતી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. હાલ તો પોલીસે મનોજ સોનીની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.

Shah Jina