અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મોતને ભેટેલા જશવંતસિંહ ચૌહાણની નીકળી અંતિમયાત્રા, આખું ગામ ચડ્યુ હિબકે, દીકરો બોલ્યો- અમારા ઘરનો દીવો ઓલવી નાખ્યો…

‘નિર્દોષોને કચડી નાખનાર તથ્ય પટેલને ફાંસી આપો’, હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણની અંતિમયાત્રામાં ગોધરાનું આખું ગામ રડ્યું

અમદાવાદમાં 19 તારીખે મધરાતે થયેલા અકસ્માતમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે, જેમાં બે પોલીસકર્મી અને એક હોમગાર્ડ જવાન સહિત ઘણા યુવાઓ સામેલ છે. તથ્ય પટેલે ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે જેગુઆર કાર હંકારી પહેલાથી અકસ્માત થયેલા સ્થળ પર ઊભેલા પોલીસકર્મી સહિત અન્ય લોકોને અડફેટે લીધા અને કચડી નાખ્યા. આ અકસ્માતમાં મૂળ ગોધરાના સાંપા ગામના અને અમદાવાદમાં પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ ચૌહાણનું પણ નિધન થઈ ગયું.

આખું ગામ હીબકે ચડ્યું
ત્યારે જશવંતસિંહના પાર્થિવ દેહને આજે સાંપા ગામ ખાતે લઈ જવામાં આવ્યો અને આ દરમિયાન આખું ગામ હીબકે ચડ્યું. પરિવારના આક્રંદથી વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. પંચમહાલ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જશવંતસિંહ ચૌહાણ 1998થી અમદાવાદમાં પોલીસ તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં તેઓ સરખેજ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસ તરીકે ફરજ નિભાવતા હતા. તેમના પરિવારમાં વૃદ્ધ માતા-પિતા, પત્ની અને એક પુત્ર-એક પુત્રી છે.

અમારા ઘરનો દીવો તો ઓલવાઈ ગયો
ત્યારે હવે તેમના નિધન બાદ પુત્ર-પુત્રીએ પિતાનો પડછાયો અને પત્નીએ તેનો સુખ દુખનો સાથી ગુમાવ્યો છે. તો વૃદ્ધ માતા-પિતાએ ઘડપણનો સહારો ગુમાવ્યો છે. જશવંતસિંહ ચૌહાણનો પરિવાર આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. જશવંતસિંહના પુત્રએ ગુજરાત તક સાથે વાત કરતા અને પોતાની વ્યથા ઠાલવતા કહ્યું, આવું ના થવું જોઈએ, પરંતુ શું કરવાનું જે નહોતું થવાનું એ થઈ ગયું. નિર્દોષેને શું લેવા દેવા આમાં ? અમારા ઘરનો દીવો તો ઓલવાઈ ગયો ને. પાપીઓને ના છોડવા જોઈએ, નિર્દોષોને કચડી નાખનાર તથ્ય પટેલને ફાંસીની સજા થવી જોઈએ. આમાં નિર્દોષોનો ભોગ લેવાયો છે.

Shah Jina