Haryanavi singer Raju Punjabi passes away : મનોરંજન જગતમાંથી ઘણીવાર દુખદ ખબર આવતી રહે છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુખદ ખબર આવી કે હરિયાણવી સિંગર રાજુ પંજાબીનું મંગળવારે રાત્રે નિધન થયું. તેની ઉંમર લગભગ 40 વર્ષ હતી અને તે છેલ્લા 10 દિવસથી હિસારની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. રાજુને કમળો થયો હતો.
પ્રખ્યાત હરિયાણવી સિંગર રાજુનું નિધન
મીડિયા અહેવાલો અનુસાર લીવર અને ફેફસામાં ઈન્ફેક્શન થતા તબિયત બગડવાના કારણે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. એવી માહિતી સામે આવી છે કે તેના અંતિમ સંસ્કાર વતન રાવતસર ખેડા ખાતે કરવામાં આવશે. હાલમાં તે હિસારના આઝાદનગરમાં રહેતો હતો. તેના નિધનના સમાચાર મળતા જ સંબંધીઓ અને ચાહકો હિસાર પહોંચવા લાગ્યા હતા.
હરિયાણા, પંજાબ અને રાજસ્થાનનો પરિચિત ચહેરો હતો રાજુ પંજાબી
રાજુ પંજાબીની સારવાર હિસારમાં ચાલી રહી હતી. સારવાર દરમિયાન તે સ્વસ્થ થઈને ઘરે ગયો, પરંતુ તેની તબિયત ફરી બગડી. આ પછી, તેને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. રાજુ પંજાબી પરિણીત છે. તેને 3 દીકરીઓ છે. રાજુ પંજાબી હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં એક પરિચિત ચહેરો હતો.
સપના ચૌધરી સાથે જોડી હતી ફેમસ
સપના ચૌધરી સાથેની તેની જોડી ઘણી ફેમસ હતી. તેણે હરિયાણામાં સંગીત ઉદ્યોગને નવી ઓળખ આપી હતી અને હરિયાણવી ગીતોને નવી દિશા આપી હતી. રાજુ પંજાબીનું છેલ્લું ગીત 12 ઓગસ્ટે રિલીઝ થયું હતું. જોકે આ દરમિયાન તેને હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યો હતો.
12 ઓગસ્ટે રીલિઝ થયુ છેલ્લુ ગીત
રાજુ પંજાબીના છેલ્લા ગીતના બોલ હતા ‘આપસે મિલકે યારા હમકો અચ્છા લગા થા’. આ ગીતને બનાવવામાં લગભગ 2 વર્ષનો સમય લાગ્યો હતો, પરંતુ કોને ખબર હતી કે આ ગીત તેમના જીવનનું છેલ્લું ગીત સાબિત થશે.