Gym trainer dies of heart attack in Surat : ગુજરાતમાં હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને યુવાનો હવે હાર્ટ એટેકની ભોગ બનતા જોવા મળી રહ્યા છે. કોઈને ગાડી ચલાવતા હાર્ટ એટેક આવી જાય છે તો કોઈને ક્રિકેટ કે કોઈ રમત રમવા દરમિયાન હાર્ટ એટેક આવી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તો ઘણા લોકોને જિમમાં કસરત કરવા દરમિયાન પણ હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સામે આવે છે. હાલ એક એવી જ ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક જિમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત થયું છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલી ગવિયર ગામમાં રહેતા સાહિલ પટેલ રાત્રીના સમયે પોતાના ઘરે હતા ત્યારે જ તે અચાનક ઢળી પડ્યો હતો. જેના બાદ તેને પરિવાર દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં ટૂંકી સારવાર દરમિયાન જ યુવકનું મોત નીપજ્યું હતું.
પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાહિલને કોઈપણ પ્રકારની બીમારી પણ નહોતી, હાલ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, પોસ્ટ મોર્ટમ બાદ તેના મોતનું સાચું કારણ સામે આવી શકે છે. હાલ તબીબો દ્વારા સાહિલનું મોત પ્રાથમિક તપાસ પ્રમાણે હાર્ટ એટેકથી થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સાહિલના મોત બાદ પરિવારમાં પણ માતમ છવાયો છે.