વિદેશની ધરતી પર ગુજરાતીઓ પર થઈ રહેલા જીવલેણ હુમલાઓનો સિલસિલો યથાવત છે. અમેરિકામાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના વતની પાટીદાર યુવતી મેઘનાબેન પટેલની એક સ્ટોરની અંદર ગોળી મારીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. સ્ટોરમાં ઘૂસેલા એક અજાણ્યા બુકાનીધારી હુમલાખોરે માત્ર ૨૬ સેકન્ડની અંદર અંધાધૂંધ ફાયરિંગ કર્યું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અરેરાટીભરી ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હચમચાવી મૂકે તેવા છે. ૧ વર્ષમાં અમેરિકામાં ૪ ગુજરાતીઓની હત્યાની ઘટનાથી વિદેશમાં વસતા ભારતીય સમુદાયની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે.

મૃતક મેઘનાબેન પટેલ છેલ્લા ૧૦ વર્ષથી અમેરિકાના વર્જિનિયા સિટીમાં રહેતા હતા અને ત્યાં એક સ્ટોરમાં નોકરી કરીને પરિવારને આર્થિક સધ્ધરતા અપાવવામાં મદદ કરતા હતા. તેમના પતિ ઉપેન્દ્રભાઈ પટેલ, પુત્રી નકશી અને પુત્ર સ્મિત પણ તેમની સાથે અમેરિકામાં જ સ્થાયી છે, જ્યારે તેમના વૃદ્ધ પિતા કરસનભાઈ પટેલ અને માતા કપિલાબેન હાલ વતન જંત્રાલ ગામમાં રહે છે. દીકરીના મોતના સમાચાર મળતા જ જંત્રાલ ગામ અને તેમના મોસાળ જામળા ગામમાં આખા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં ઘેરા શોકની કાલીમા છવાઈ ગઈ છે.

સ્ટોરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અનુસાર, એક શંકાસ્પદ બુકાનીધારી શખ્સ ગ્રાહકના બહાને સ્ટોરની અંદર પ્રવેશે છે. તે થોડી સેકન્ડ આજુબાજુ નજર દોડાવે છે અને તક મળતા જ પોતાના નેફામાંથી બંદૂક કાઢીને મેઘનાબેન પર ધડાધડ એકથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરી દે છે. આ હુમલા પાછળ લૂંટનો ઈરાદો હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક પોલીસે તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરીને હત્યારાને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ગુજરાતીઓ ગુનાખોરીનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં જ સાઉથ કેરોલિનામાં છેલ્લા ૨૩ વર્ષથી રહેતા અને સ્ટોર ચલાવતા બોરસદના ૪૯ વર્ષીય કિરણ પટેલની પણ ગોળી મારી હત્યા કરાઈ હતી. આ સિવાય આઠ મહિના પહેલા સુરતના બારડોલીના રાયમ ગામના અને અમેરિકામાં મોટેલ ચલાવતા ૫૦ વર્ષીય રાકેશભાઈ પટેલની પણ ગોળી મારી હત્યા કરાઈ હતી.

‘સ્મોલ આર્મ્સ સર્વે’ (SAS) ના અહેવાલ મુજબ, અમેરિકામાં ત્યાંની કુલ વસતિ કરતાં પણ વધુ માત્રામાં હથિયારો ઉપલબ્ધ છે. અમેરિકાની વસતિ આશરે ૩૩ કરોડ (૩૩ મિલિયન) ની આસપાસ છે, જ્યારે ત્યાં નાગરિકો પાસે લગભગ ૪૦ કરોડ સિવિલિયન બંદૂકો છે. એટલે કે દર ૧૦૦ લોકો દીઠ ૧૨૦ બંદૂકો ઉપલબ્ધ છે, જેનું આ બેફામ ગન કલ્ચર નિર્દોષ ગુજરાતીઓ માટે કાળ સાબિત થઈ રહ્યું છે.