Gujarat Budget 2024 : ગિફ્ટ સિટીને લઈને મોટી જાહેરાતો, બનશે ‘સપનાનું શહેર’, રિવરફ્રન્ટ માટે 100 કરોડની જોગવાઇ…

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરૂવારથી શરૂ થઈ ચૂક્યુ છે અને ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ ત્રીજી વખત બજેટ રજુ કરી રહ્યા છે. આ વખતનું બજેટ ઐતિહાસિક છે, કારણ કે 3,32,465 કરોડનું બજેટ રજૂ થઇ રહ્યું છે. બજેટ 2024માં અમદાવાદ અને ગાંધીનગરને લઇને ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ખાસ તો ગ્રીન સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીને લઈને મોટી જાહેરાતો કરાઇ છે.

ગિફ્ટ સિટીના વિકાસની જાહેરાત કરતાં નાણામંત્રીએ કહ્યું કે, ‘ગ્લોબલ ફાયનાન્સ હબ તરીકે ગિફ્ટ સિટી ઉભરી રહ્યુ છે અને 900 એકરથી 3300 એકરમાં લંબાવીને ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. ગિફ્ટ સિટીમાં વિકાસ કાર્યો સાથે “વોક ટુ વર્ક” “લિવ-વર્ક- પ્લે કમ્યુનિટી” વિકસાવવામાં આવશે.

આ ઉપરાંત 4.5 કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, તેમજ આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી અને સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે. આ બાદ વિશ્વમાં ગિફ્ટ સિટીની ‘સપનાનાં શહેર’ તરીકે ઓળખ મળશે. ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે 100 કરોડની જોગવાઈ કરાઇ છે.

GIFT સિટી ખાતે ‘ફિન-ટેક હબ’ની સ્થાપના કરવાની પણ જાહેરાત કરાઇ છે, જેના માટે 52 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત બજેટ 2024માં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવાયો છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ કે જે ત્રીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે, તેમણે વિકસિત ભારત 2047ને લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત 2047નું નિર્માણ કરવા માટે રોડમેપ નક્કી કરતું 3 લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યુ હતુ.

આ ઉપરાંત મેટ્રો માટે પણ મોટુ એલાન કરાયુ છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની કનેક્ટિવીટી વધારવા મેટ્રોરૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે. ચાલુ વર્ષે મૂકવામાં આવનાર 2000 નવી બસો અને આગામી વર્ષે એસ.ટી.નિગમ દ્વારા વધુ 2500 નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે.

Shah Jina