ગુજરાતના 18 CMના ઇતિહાસમાં પહેલીવાર બની ઘટના, CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઘરે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમના કામને કારણે ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે 5મે ના રોજ તેઓ છોટાઉદેપુર ખાતે પહોંચ્યા હતા અને તેમણે પાણી પુરવઠા વિભાગ અને કેટલાક વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા હતા. આ દરમિયાન તેઓએ બધાને ત્યારે ચોંકાવી દીધા જયારે તેઓ વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાના ઘરે પહોંચ્યા હતા. છોટા ઉદેપુરના કવાંટના જામલી ગામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાના દિવંગત પિતાના બેસણામાં હાજરી આપવા પહોંચ્યા હતા.

ત્યાં પહોંચી તેમણે પરિવારને સાંત્વના પણ પાઠવી હતી. આ દરમિયાન વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને કોંગ્રેસ ધારાસભ્ય મોહનસિંગ રાઠવાએ CMની  મુલાકાતને બિરદાવી હતી. તમને જણાવી દઇએ કે, ગુજરાતના 18 મુખ્યમંત્રીઓમાંના પહેલા એવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે જે વિપક્ષ નેતાના ઘરે આવ્યા.CMની મુલાકાતને લઇને સુખરામ રાઠવાએ કહ્યું કે પિતાના બેસણામાં હાજર રહી મુખ્યમંત્રીએ પરિવારજનોને સાંત્વના આપી એનો આનંદ થયો છે.

ઉલ્લેખનીય છે કે, સુખરામ રાઠવાના પિતાનું 1 મે 2022ના રોજ દુઃખદ અવસાન થયું હતું. તેમનું બેસણું 5 મેના રોજ રાખવામાં આવ્યુ હતુ. CM ભૂપેન્દ્ર પટેલ સાથે આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબહેન સુથાર, ધારાસભ્ય અભેસિંહ તડવી, મોહનસિંહ રાઠવા પણ હાજર રહ્યા હતા અને તેમણે વિપક્ષ નેતા સુખરામ રાઠવાના દિવંગત પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઘરની મુલાકાત દરમિયાનની તસવીરો CM ભૂપેન્દ્ર પટેલના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી હતી.આ તસવીરોમાં પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે, છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના જામલી ગામે વિરોધ પક્ષના નેતા શ્રી સુખરામ રાઠવાજીના પિતાશ્રીના બેસણામાં ઉપસ્થિત રહી સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ પાઠવી.

Shah Jina