કાળજાના કટકા સમાન ફૂલ કેવી દીકરીના હત્યારાને ફાંસીની સજા મળ્યા પછી શું હતું ગ્રીષ્માના પરિવારનું રિએક્શન ?

આખા ગુજરાતને રડાવનાર કેસમાં ફેનિલને કોર્ટે સજા સંભળાવ્યા પછી ગ્રીષ્માના પિતા અને કાકીએ જુઓ શું શું કહ્યું

ગુજરાતીઓ છેલ્લા ઘણા સમયથી કોર્ટના જે નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા તે આજે આવી જ ગયો. સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ થયેલા માસુમ ગ્રીષ્મા હત્યા કેસની અંદર કોર્ટે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવી દીધી છે. ત્યારે હવે લોકોને પણ આ કેસમાં હાશકારો થયો છે અને કોર્ટના આ નિર્ણયથી જનતા પણ ખુશ જોવા મળી રહી છે.

ગ્રીષ્માનો કેસ સુરત જિલ્લા સેશન્સ જજ વિમલ કે વ્યાસ સાહેબની કોર્ટમાં ચાલતો હતો. ગ્રીષ્મા તરફથી કેસ જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા લડી રહ્યા હતા, તો હત્યારા ફેનિલ ગોયાણીનો કેસ વકીલ ઝમીર શેખ લડી રહ્યા હતા. ઝમીર શેખ દ્વારા આરોપીને ઓછી સજા થાય તેના માટે ખુબ જ દલીલો કરવામાં આવી, પરંતુ જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા પણ એવી ધારદાર દલીલો કરવામાં આવી કે કોર્ટે હત્યારા ફેનિલને ફાંસીની સજા સંભળાવી.

કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કહ્યો છે. આ કેસમાં ફેનિલને 5 હજાર દંડ તથા ભોગ બનનારના પરિવારને તથા ઈજાગ્રસ્તોને કોર્ટે વિકટીમ કોમપેન્સેશન સ્કીમ હેઠળ 7 લાખનું વળતર ચૂકવવા ભલામણ કરી છે. ત્યારે હવે આ મામલે ગ્રીષ્માના પરિવારનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમને પોતાની દીકરીને ખોવાનું દુઃખ વ્યક્ત કરવાની સાથે સાથે કોર્ટ દ્વારા મળેલા ન્યાય પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે.

ત્યારે આ મામલામાં ગ્રીષ્માના ભાઈ ધ્રુવ વેકરીયાનું પણ નિવેદન સામે આવ્યું છે, કોર્ટના આ નિર્ણય બાદ ધ્રુવ વેકરીયાએ જણાવ્યું હતું કે, “જે રીતે સજા મળવી જોઇએ તેવી જ સજા મળી છે. પરિવારજનોમાં આ સજા અંગે સંતુષ્ટી છે. કોર્ટ અને પોલીસ તરફથી અમને બધો સપોર્ટ મળ્યો છે.”

તો પોતાની ફૂલ જેવી વહાલી દીકરીને ગુમાવી બેસનાર ગ્રીષ્માના પિતાએ જણાવ્યું કે, “મને આશા હતી તે પ્રમાણે મારી દીકરીને ન્યાય મળ્યો છે. પોલીસકર્મીઓ, વકીલ, હર્ષભાઇ સંઘવી, આપણા મુખ્યમંત્રી, પ્રફુલભાઇ પાંચસુરિયાના સાથ સહકારથી આજે મારી દીકરીને જ નહીં પરંતુ મારા દેશની દીકરીને ન્યાય મળ્યો છે. દેશની કોઇપણ દીકરી સાથે આવું ન થવુ જોઇએ. કોર્ટે ઝીણામાં ઝીણી બાબતને ધ્યાન રાખીને કોર્ટે પોતાની જવાબદારીથી વિચારીને ન્યાય આપ્યો છે. ફાંસીની સજા યોગ્ય છે એને ફાંસીની સજા થાય.’

Niraj Patel