દાદીએ 4 દિવસની પૌત્રીને મારી નાખી : આ હતું કારણ, પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

4 દિવસની માસૂમની હત્યા : પૌત્રની ચાહમાં દાદીને બર્દાશ્ત ના થઇ પૌત્રી, ગળુ દબાવી લઇ લીધો નવજાતનો જીવ

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં એક ચોંકાવનારો મામલો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી સામે આવ્યો. પૌત્રની ઈચ્છા ધરાવતી દાદીએ તેની ચાર દિવસની માસૂમ પૌત્રીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. એક હાથથી અશક્ત એવી નવજાત પૌત્રીને ખ્યાલ પણ નહીં હોય કે જે દાદી તેને બાંહોમાં પકડીને સ્નેહનો ઢોંગ કરી રહી છે તે તેને મારી નાખશે.

આ સમગ્ર ઘટના 23 માર્ચે શરૂ થઈ હતી, જ્યારે ગ્વાલિયરના ગોલ પાડા વિસ્તારમાં રહેતી કાજલ ચૌહાણને લેબર પેઈનને કારણે કમલા રાજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં કાજલે દીકરીને જન્મ આપ્યો, પરંતુ આ બાળકી એક હાથથી અપંગ હતી. બાળકીના જન્મથી કાજલ ખૂબ જ ખુશ હતી, પરંતુ કાજલની સાસુ પ્રેમલતા ચૌહાણ બાળકીના જન્મને લઈને ચિંતિત હતી, કારણ કે પ્રેમલતા ઈચ્છતી હતી કે તેની વહુ કાજલ પહેલા બાળક તરીકે પુત્રને જન્મ આપે.

દીકરાની જગ્યાએ દીકરીનો જન્મ થયો તો દીકરી પ્રેમલતાને અભિશાપ જેવી લાગવા લાગી. સાસુનું વલણ જોઈને કાજલ સમજી ગઈ કે તેની સાસુ પુત્રીના જન્મથી નાખુશ છે, તેથી પુત્રવધૂએ પુત્રીને સાસુ પ્રેમલતાથી દૂર રાખી. આ સમય દરમિયાન કાજલની માતા હોસ્પિટલમાં તેની પુત્રીની સંભાળ રાખતી હતી, જ્યારે અચાનક કાજલના કાકાના મોતના સમાચાર આવ્યા તો કાજલની માતા હોસ્પિટલથી નીકળી ગઈ અને આનો લાભ કાજલના સાસુ પ્રેમલતાએ ઉપાડ્યો.

કાજલની ઈચ્છા ન હોવા છતાં સાસુ નવજાત બાળકીને લઈ ગઈ. તે 26 માર્ચની રાત હતી, જ્યારે પ્રેમલતા ચૌહાણે ચાર દિવસની પૌત્રીને ધાબળામાં વીંટાળીને બાહોમાં લીધી અને આખી રાત તેની પાસે સૂતી રાખી. કમ સે કમ કાજલને તો એવું લાગી રહ્યુ હતુ પરંતુ પ્રેમલતાનો ઇરાદો બહુ ખતરનાક બની ગયો હતો અને તેણે તક મળતાં જ ચાર દિવસની પૌત્રીનું ગળું દબાવી દીધું. પૌત્રીનો જીવ જતો રહ્યો હતો, પણ પ્રેમલતા તેને ખોળામાંથી અલગ નહોતી કરી રહી.

જ્યારે કાજલના મામા અને માસી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કાજલે તેની સાસુ પાસે બાળક પાછું માંગ્યું, પરંતુ સાસુએ બાળક પાછું આપવાની ના પાડી. આ અંગે કાજલને શંકા ગઈ. જ્યારે કાજલના મામા અને માસીએ પ્રેમલતા પાસેથી બળજબરીથી બાળકને છીનવ્યુ ત્યારે બાળકમાં કોઈ હરકત ન જણાઇ. આ જોઈને તેને શંકા ગઈ અને આ પછી તે સીધા ડૉક્ટર પાસે ગયા. જ્યાં તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરાઇ.

આ દરમિયાન કાજલની સાસુ પ્રેમલતા મોકો જોઇ ત્યાંથી ચાલી ગઈ હતી. કાજલને તેની સાસુ પર શંકા હતી, તેથી માતાએ તેની પુત્રીના પોસ્ટમોર્ટમનો આગ્રહ કર્યો. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી, પરંતુ કાજલના પતિએ તેના નિવેદનનો વિરોધ શરૂ કર્યો. કાજલે તેના પતિની વાત ન માની આખરે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું, આનો ખર્ચ કાજલને ઉઠાવવો પડ્યો. સાસરિયાઓ કાજલને પોતાની સાથે ઘરે ન લઈ ગયા. કાજલના પિયર પક્ષના લોકો કાજલને શિંદેની છાવની સ્થિત તેના ફઇના ઘરે લઈને પહોંચ્યા.

ગુરુવારે બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો અને તેમાં બાળકીનું મોત ગળું દબાવવાને કારણે થયું હોવાનું સામે આવ્યું. કાજલે આ માટે તેની સાસુ પ્રેમલતાને સીધો દોષ આપ્યો. કાજલની ફરિયાદના આધારે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કલમ 302 હેઠળ પ્રેમલતા વિરુદ્ધ FIR નોંધી અને ધરપકડ કરી.

Shah Jina