ઈટાલિયાએ PM મોદી એક ‘નીચ’ વ્યક્તિ કહ્યું, વધુમાં કહ્યું કે, હું ગામડાનો છું એટલે મારી ભાષા ખરાબ હોઈ શકે છે અને જો ખરાબ છે તો મને ફાંસી પર લટકાવી દો

ગુજરાતમાં હાલ ચૂંટણીના કારણે ધમાસાણ ચાલી રહ્યું છે, દરેક પાર્ટીઓ આ ચૂંટણીમાં વિજય માટે તમામ પ્રયાસો કરી રહી છે, ત્યારે આ દરમિયાન આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની હાલ એક જુના વીડિયોને લઈને દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને પણ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ગોપાલ ઇટાલિયાને બપોરે 12:30 કલાકે સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. તે દરમિયાન જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ગોપાલ ઈટાલીયાનો મહિલાને સંબોધીને બોલવામાં આવેલો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો. જે સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી હતી. વાયરલ થયેલા વીડિયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા દેખાય છે કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘નીચ’ વ્યક્તિ છે. હું પુષ્ટિ નથી કરી શકતો, પરંતુ હું તમને પૂછવા માગું છું કે શું દેશના કોઈપણ પૂર્વ વડાપ્રધાને આવી રીતે મત આપવાની નોટંકી કરી છે? આ ‘નીચ’ પ્રકારની વ્યક્તિ અહીં રોડ શો કરી રહી છે અને દેખાડી રહ્યા છે કે તેઓ દેશને કેવી રીતે ‘સી’ બનાવી રહ્યા છે. મારા કહેવાનો અર્થ તમે સમજી શકો છો. તેઓ ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે અને મત આપવા દિલ્હીથી ગુજરાત આવે છે.”

આ વીડિયો ક્યારનો હતો તે હજુ સુધી સ્પષ્ટ નથી થઇ રહ્યું, પરંતુ આ વીડિયો 2-3 વર્ષ જૂનો હોવાનું લાગી રહ્યું છે, સોશિયલ મીડિયામાં આ જૂનો વીડિયો વાયરલ થયા બાદ ગોપાલ ઈટાલીયાએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને સ્પષ્ટતા પણ કરી હતી, પરંતુ તેમાં પણ વિચિત્ર દલીલો કરી હતી. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ પાટીદાર વિરોધી પાર્ટી છે. હું અનામત આંદોલનથી લઈને અત્યાર સુધી તેમની સામે લડ્યો છું. આજે જ્યારે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે મારા જૂના વીડિયો કાઢીને મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હું આગળ ન વધી જાઉં એના માટે મને રોકવામાં આવી રહ્યો છે. જોકે આ વાયરલ વીડિયો બાબતે તેમણે કોઈ યોગ્ય રીતે ખુલાસો કર્યો નહોતો.

ઇન્ટરનેટ ઉપર પ્રધાનમંત્રી મોદીને “નીચે” કહેતો વીડિયો વાયરલ થતા જ રાજકારણ ગરમાયુ હતું. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ આમ આદમી પાર્ટીની આ માનસિકતાને દેશ વિરોધી ગણાવી હતી. તો રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધની આ ટિપ્પણી દ્વારા મહિલાઓનું પણ અપમાન થયું હોવાનું જણાવી તેમને નોટિસ પાઠવવામા આવી હતી. જેનો જવાબ આપવા માટે આજે એટલે ગુરુવારના રોજ દિલ્હી સ્થિત NCWનું ઓફિસમાં ઈટાલીયા પહોંચ્યા હતા. જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Niraj Patel