સલામ છે ગુજરાતના આ નાનકડા ગામના ડોક્ટરને, જેને લાખો રૂપિયાની નોકરી છોડી ઘર બનાવવા માટે ભેગા કરેલા પૈસામાંથી લીધો ગામમાં હોસ્પિટલ બનાવવાનો નિર્ણય

કોરોના મહામારીએ આખા દેશને પોતાના ભરડામાં લીધો છે, શહેરોમાં વિસ્તાર પામેલો આ વાયરસ હવે ગામડા સુધી પણ પહોંચી ગયો છે અને ગામડામાં પણ લોકો આ વાયરસનો શિકાર બની રહ્યા છે. ત્યારે આવા સમયે એક ડોક્ટર દ્વારા ખુબ જ મોટું યોગદાન આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની કોર્પોરેટ હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતા યુવા તબીબ ડોક્ટર રોહિત ભલાળા વતનના દર્દીઓની સેવા કરવા માટે મોવિયાની વાટ પકડી છે અને હાલના કપરા સમયમા યુધ્ધના ધોરણે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા કામગીરી આરંભી દીધી છે.

આ સાથે જ નજીકના ભવિષ્યમાં અહીં હોસ્પિટલ બનાવવાના એક સ્વપ્ન સાથે પોતાનું મકાન બનાવવા માટે અનામત રાખેલી મૂડી તેમાં વાપરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોવિયાના વતની ડો.રોહિત ભાલાળાએ એમ.બી.બી.એસ. અને એમ.ડી.કર્યા બાદ કોરોનરી હાર્ટ ડિઝિસમાં પીએચડી પણ કર્યું છે.

ડોક્ટર રોહિત દ્વારા લાખો રૂપિયાના પગાર આપતી ખાનગી હોસ્પિટલમાં રાજીનામુ આપી ગ્રામ્યની જનતા માટે ગામડામાં અદ્યતન કોવિડ સેન્ટર (Covid Center) શરૂ કર્યું. પોતાની બચતમાંથી લાખો રૂપિયાના મેડિકલ સાધનો, લેબ, ફાર્મસીને લગતી તમામ સામગ્રી ઉપલબ્ધ કરાવી અને આ તમામ સારવાર વિનામૂલ્યે પુરી પડશે. પૂજ્ય ગુરુ હરિ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામીની પ્રેરણાથી વતન મોવિયા તથા આસપાસના લોકો માટે કરી અદ્યતન કોવિડ હોસ્પિટલ (Covid Hospital)  જે લોકો માટે સુખાકારી સાબિત થશે.

ડો.રોહિત ભાલાળાના ધર્મપત્ની ડો.ભૂમિ ગઢિયાએ પતિના નિર્ણયને દિલથી વધાવ્યો. ડો.રોહિતના માતાની તો આ હૃદયની ઈચ્છા હતી કે એનો દીકરો ગામડાના ગરીબ માણસો માટે કંઈક કરે.ડો.રોહિતને મિત્રોએ પણ તમામ રીતે સહયોગ આપ્યો જેના પરિણામે તેઓ છેલ્લા બે ત્રણ દિવસથી ગામના આગેવાનો અને યુવાનો સાથે મળીને ગામમાં જ તમામ પ્રકારની સારવાર મળી રહે એવુ કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની તૈયારીમાં લાગી ગયા છે.

તો આ બાબતે ડોક્ટર રોહીતનું કહેવું છે કે, “ગામડાના લોકોની દયાજનક સ્થિતિના સમાચાર સાંભળીને મને બહુ જ દુઃખ થતું, અને તેઓને સતત એવું થાય છે કે આટલું બધું ભણ્યો પણ આ ભણતર અને જ્ઞાન જે ગામડામાં ઉછરીને હું મોટો થયો એ લોકોને મુશ્કેલીના અને એની જરૂરિયાતના સમયે કામમાં ન આવે તો ભણેલું શું કામનું ? ગામડાના કોરોનાગ્રસ્ત લોકો માટે મારે કાંઈક કરવું છે. તેવો વિચાર કર્યો અને અમલ પણ.”

 

Niraj Patel