દિવાળીની ખુશીઓમાં ફરી વળ્યો માતમ, સુતળી બોમ્બને ટિફિનમાં રાખીને ફોડ્યો, યુવતીને મળ્યું દર્દનાક મૃત્યુ

ભાઈના સુતળી બોમ્બને લીધે બહેનને મળ્યું ભયાનક મૃત્યુ, ટિફિનમાં ખતરનાક બૉમ્બ મુક્યો અને…..

દિવાળીનો તહેવાર દરેકના પરિવારમાં ખુશીઓ લઈને આવે છે,  આ દરમિયાન લોકોના ચહેરા ઉપર પણ ખુશીઓ જોવા મળે છે અને લોકો આ તહેવારમાં મીઠાઈ અને ફટાકડાની રમઝટ જમાવે છે. પરંતુ ઘણીવાર ફટાકડાના કારણે ઘણા લોકોના જીવ જોખમમાં પણ મુકાતા હોય છે. ઘણીવાર આ દરમિયાન કેટલીક દુર્ઘટનાઓના પણ સમાચાર આવતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ખબર સામે આવી છે, જેમાં એક યુવતીનું સુતળી બોમના કારણે મોત થયું હતું.

ફટાકડા ફોડતી સમયે ખુબ જ સાવચેતી રાખવી પડતી હોય છે. ઘણા લોકો ફટાકડા ફોડવા માટે વિચિત્ર હરકતો કરતા જોવા મળે છે. જે ઘણીવાર મુસીબતનું કારણ બને છે, એવી જ એક ઘટના મધ્યપ્રદેશના મંદસૌરના ભાવગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના કરજુ ગામમાંથી સામે આવી છે. જેમાં ફટાકડાના કારણે એક યુવતીનો જીવ ચાલ્યો ગયો. કરજુના એક પરિવારમાં દિવાળીની ખુશી ત્યારે માતમમાં ફેરવાઈ ગઈ જ્યારે સ્ટીલના ટિફિનમાં સૂતળી બોમ્બ ફાટતા 20 વર્ષની યુવતી ટીનાના પેટમાં ટિફિનનો ટુકડો ઘૂસી ગયો. જેના કારણે યુવતીનું મોત નીપજ્યું હતું.

જણાવી દઈએ કે કરજુના ગોવર્ધન લાલ માળીના ઘરે ગોવર્ધન પૂજા ચાલી રહી હતી. જેમાં 20 વર્ષીય યુવતી તેના ભાઈ સાથે ફટાકડા ફોડી રહી હતી. દરમિયાન, ભાઈએ સ્ટીલના ટિફિનમાં મૂકીને ફટાકડા ફોડવાનું શરૂ કર્યું. ટીના તેના ભાઈનો વીડિયો બનાવી રહી હતી. આ દરમિયાન બોમ્બના વિસ્ફોટને કારણે ટીનાના પેટમાં ટિફિનનો ટુકડો ઘુસી ગયો હતો. ટીનાને સારવાર માટે મંદસૌર જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી ત્યારે રસ્તામાં જ તેનું મોત થયું હતું. આ અંગેની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ 20 વર્ષની ટીના મંદસૌરની એક ખાનગી કોલેજમાંથી ફાર્મસીનો અભ્યાસ કરતી હતી. આ સાથે તે ગામમાં તેના ઘરે બ્યુટી પાર્લર ચલાવતી હતી. ત્રણ ભાઈ-બહેનોમાં તે સૌથી મોટી હતી. ટીનાના પિતા ખેડૂત છે. સોશિયલ મીડિયા પર ફટાકડા સાથે અનેક પ્રકારના પ્રયોગો કરવામાં આવે છે. તેથી, ફટાકડા ફોડતી વખતે ઘણી સાવચેતી રાખવી જોઈએ. સાથે જ વડીલોની દેખરેખમાં સુતળી બોમ્બ ફોડવા જોઈએ. ફટાકડા ફોડતી વખતે, સૂતળી બોમ્બ અથવા મોટા વિસ્ફોટક ફટાકડા પર કોઈપણ વસ્તુ અથવા બોક્સને ઢાંકવું જોઈએ નહીં. કારણ કે જો વિસ્ફોટમાં ઢંકાયેલ બોક્સના ટુકડા થઈ જાય તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

Niraj Patel