Surat three month daughter : ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જેણે ચકચારી મચાવી દીધી. આ કિસ્સો વાલીઓ માટે ચેતવણીરૂમ કિસ્સો છે. એક પિતાએ રમત રમતમાં ત્રણ મહિનાની બાળકીને ઉછાળી હતી અને આ દરમિયાન કંઇક એવું બન્યુ કે તેને કારણે તેનું મોત થયુ. ઘટના એવી છે કે પિતા ત્રણ મહિનાની દીકરીને રમાડી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે બાળકીને હવામાં ઉછાળી.
જો કે, બાળકી વધુ ઊંચે ઉછળતા તેનું માથુ પંખાના પાંખીયામાં આવી ગયુ અને તેને કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ. જો કે, બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી પણ તેનું ટૂંકી સારવાર બાદ મોત થયુ હતુ. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના લિંબાયતમાં આવેલ ખાનપુરા વિસ્તારમાં મસરુદ્દીન શાહ કે જે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. મસરુદ્દીનને ત્રણ પુત્રી અને એક પુત્ર છે.
શનિવારે મસરુદ્દીન તેની ત્રણ મહિનાની ત્રીજા નંબરની દીકરી ઝોયાને ઉછાળી ઉછાળીને રમાડી રહ્યો હતો ત્યારે જ ઝોયાનું માથું પંખાના પાખિયામાં આવી જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તે બાદ તેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જો કે, ઝોયાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યુ હતુ. આ દુર્ઘટના બાદ લિંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.