ગાંધીનગર / દારૂની છૂટ મળતાં જ ગિફ્ટ સિટીમાં ક્લબની વધી ગઈ ડિમાન્ડ: 48 જ કલાકમાં 107 નવા સભ્યો નોંધાયા, મેમ્બરશીપનો ચાર્જ લાખોમાં
ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં જ્યારથી દારૂની છૂટ આપવાનો નિર્ણય સરકારે જાહેર કર્યો છે, ત્યારથી બધે તેની ચર્ચા થઇ રહી છે. આગામી મહિને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થવાની છે અને એવું લાગી રહ્યુ છે કે ગિફ્ટ સિટીને મોટી લોટરી લાગી શકે છે. દારૂની છૂટ મળ્યા બાદથી ગિફ્ટ સિટીનું નામ લગભગ દરેકના મોઢે ચઢી ગયુ છે. ગિફ્ટ સિટીમાં દુનિયાની ઘણી દિગ્ગજ કંપનીઓ પોતાની ઓફિસ ખોલી શકે છે. ત્યારે આ બધા વચ્ચે ગિફ્ટ સિટીની ક્લબ મેમ્બરશીપની ડિમાન્ડ વધી ગઈ છે.
ગિફ્ટ સિટીની ક્લબ કે જેમાં સેવન સ્ટાર હોટલ જેવી તમામ સુવિધાઓ છે અને શાનદાર આઉટડોર એરિયાની સાથે મીટિંગ માટે પણ આકર્ષક જગ્યા છે. અત્યાર સુધી તો આ ક્લબની મેમ્બરશીપ 7 લાખ હતી પણ એવું લાગી રહ્યુ છે કે હવે તે વધી શકે છે. ગિફ્ટ સિટી ક્લબ અમદાવાદથી 12 કિમી દૂર છે અને ક્લબની મેમ્બરશીપ બે કેટેગરીમાં છે. 25 વર્ષની મેમ્બરશીપ રિફંડેબલ છે, જ્યારે શોર્ટ ટર્મની મેમ્બરશીપ નોન રિફંડેબલ છે. આ ઉપરાંત બીજી મેમ્બરશીપમાં 3 ઓપ્શન છે.
1) વન યર ગ્રેબ એન્ડ ગો મેમ્બરશીપ 2) થ્રી યર ટેપર્ડ મેમ્બરશીપ અને 3) વર્ષની મેમ્બરશીપ. રાજ્ય સરકારની દારૂ પીવાની છૂટ અપાતા જ ગિફ્ટસિટી ક્લબમાં માત્ર 48 કલાકમાં જ 107 લોકોએ મેમ્બરશીપ મેળવી અને ક્લબે 7.49 કરોડની કમાણી કરી. ગિફ્ટ સિટી ક્લબની વાત કરીએ તો, ત્યાં પાલતું પ્રાણીને લઈ જવાની મંજૂરી નથી અને આ ઉપરાંત તે નોન સ્મોકિંગ ક્લબ છે, ફક્ત જે જગ્યા નિર્ધારિત છે, ત્યાં જ સિગારેટ પીવાની મંજૂરી છે.
ગિફ્ટ સિટી ક્લબના એક સભ્યની સાથે વધુમાં વધુ 12 મહેમાનોને આવવાની મંજૂરી છે અને એક સભ્ય વધુમાં વધુ 5 રૂમ બુક કરાવી શકે છે. હાલ તો ક્લબમાં મેમ્બર સાથે મહેમાનને ફ્રી એન્ટ્રી છે. આ ક્લબ ગાંધીનગર રેલવે સ્ટેશનથી 17 કિમી દૂર છે. ક્લબનું બિલ્ડિંગ 10 માળનું છે, જેમાં બે બેઝમેન્ટ અને 1 ટેરેસનો સમાવેશ થાય છે. ભોજનની વાત કરીએ તો, નોનવેજ અને વેજ બંને મળે છે. જો કોઇ બહારની વ્યક્તિ હોય તો તે ફક્ત ક્લબના સભ્ય સાથે આવી શકે છે, બાકી તેને મંજૂરી નથી.