ફ્લાઇટ ક્રેશમાં ચાર મિત્રોના દર્દનાક મૃત્યુથી સૌ કોઈ આઘાતમાં: છેલ્લી ઘડીએ બદલ્યો હતો પ્લાન…

નેપાળ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કારણે ચાર ઘરો પર તૂટી પડ્યો દુખોનો પહાડ, જીવનભરનો ઊંડો ઘા આપી ગયો, બીમાર માતા હજુ પણ જાણતી નથી કે પુત્ર મૃત્યુ પામ્યો

નેપાળના પોખરામાં રવિવારના રોજ થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. જેમાંથી 4 લોકો યુપીના ગાઝીપુર જિલ્લાના રહેવાસી હતા. વિમાનમાં ચાર ક્રૂ મેમ્બર્સ સહિત 72 લોકો હતા. એરપોર્ટ પર લેન્ડિંગની કેટલીક ક્ષણ પહેલા જ પ્લેન અકસ્માતનો શિકાર બન્યુ હતુ. આ અકસ્માતમાં જે 4 યુપીના યુવકોએ જીવ ગુમાવ્યો છે તે માં વિશાલ શર્મા, સોનુ જયસ્વાલ, અનિલ રાજભર અને અભિષેક કુશવાહનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ ચારેય પરિવારોમાં અફરાતફરી મચી ગઈ હતી. શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.

પોલીસ પ્રશાસન દ્વારા નેપાળ વિમાન દુર્ઘટનામાં પુત્રોના મોતની જાણ જિલ્લાના ચાર પરિવારોને થતાં જ અફરા-તફરી મચી ગઈ હતી. કોઈએ વિચાર્યું ન હતું કે હસતા હસતા ઘરની બહાર નીકળેલા બાળકો ઘરે પાછા નહિ આવે. એકસાથે ચારેય ત્રણ દિવસ પહેલા જ નેપાળ ફરવા ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ યુવકો વારાણસીથી કાઠમંડુ જઈ રહ્યા હતા. સોનુ જયસ્વાલે અકસ્માત પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે ફ્લાઈટની અંદર અને બહારનો નજારો બતાવ્યો.

પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે આવનારી ક્ષણ એટલી નિર્દય હશે કે તે તેમના જીવનને છીનવી લેશે.વીડિયોમાં સોનુ હસી રહ્યો છે, પહેલા તે પોતાને અને પછી વિમાનમાં બેસેલા યાત્રિઓને બતાવે છે. ત્યાં સુધી બધુ ઠીક હતુ. અચાનકથી મર્યો મર્યોનો અવાજ આવવા લાગે છે અને લોકો ચીસો પાડવા લાગે છે અને આગની લપટો દેખાય છે. આ ઘટના અંગે સીઓ ગાઝીપુરનું કહેવું છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા યુવકોના પરિવારજનોને શક્ય તમામ મદદ પહોંચાડવાના પ્રયાસો ચાલુ છે. મૃતકોના પરિવારની સાથે આસપાસના વિસ્તારોમાં પણ શોકનો માહોલ છે.

તસવીર સૌજન્ય : સંદેશ મીડિયા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે નેપાળમાં પ્લેન ક્રેશ ખૂબ જ દુઃખદ છે. આમાં, ભારતીય નાગરિકો સહિત મૃત્યુ પામેલા તમામ લોકોને નમ્ર શ્રદ્ધાંજલિ. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારના સભ્યો સાથે છે.ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે અને ઘાયલોને ઝડપથી સાજા કરે. ઉત્તર પ્રદેશના મૃતકોના મૃતદેહને રાજ્યમાં લાવવાની વ્યવસ્થા કરવા માટે અધિકારીઓને વિદેશ મંત્રાલય સાથે સંકલન કરવા સૂચના આપવામાં આવી છે.

તસવીર સૌજન્ય : સંદેશ મીડિયા

ઉલ્લેખનીય છે કે યતી એરલાઈન્સના ATR-72 વિમાને કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી. તેમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર હતા. પ્લેન પોખરા નજીક પહોંચ્યું હતું કે સવારે 11.10 વાગ્યે લેન્ડિંગની માત્ર 10 સેકન્ડ પહેલાં જ ક્રેશ થઈ ગયું. નેપાળી મીડિયા અનુસાર, આ અકસ્માત પોખરાના જૂના ડોમેસ્ટિક એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટની વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં નેપાળની પ્રખ્યાત લોક ગાયિકા નીરાનું પણ મોત થયું છે.

Shah Jina