તેરી મિટ્ટી મેં મિલ જાવા… CDS બિપિન રાવતનો પાર્થિવદેહ પંચતત્ત્વમાં થયો વિલીન, દીકરીએ આપી મુખાગ્નિ, 17 તોપોની આપવામાં આવી સલામી

CDS બિપિન રાવત સહિત તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને આજે અંતિમ વિદાય આપવામાં આવી હતી. જનરલ બિપિન રાવતનો પાર્થિવ દેહ તેમના બેરાર સ્ક્વેર સ્થિત નિવાસસ્થાનેથી લાવવામાં આવ્યો હતો. અહીં સીડીએસ રાવતની બંને પુત્રીઓએ પૂર્ણ વિધિ સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા. મોટી દીકરીએ અગ્નિ પ્રગટાવ્યો. સીડીએસને 17 તોપોની સલામી આપવામાં આવી હતી. આ દરમિયાન અહીં 800 જવાનો હાજર હતા.

આ પહેલા જનરલ બિપિન રાવતના મૃતદેહને શુક્રવારે બેઝ હોસ્પિટલથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. અહીં CJI NV રમન્ના, ત્રણેય સેનાના વડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. CDS બિપિન રાવત અને મધુલિકા રાવતની પુત્રીઓ કૃતિકા અને તારિણીએ તેમના માતા-પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી.

જનરલ રાવતની અંતિમ યાત્રા ભાવુક કરી દે એવી રહી છે. દેશના વીરને અંતિમ વિદાય આપવા જાણે આખું દિલ્હી ઉમટી પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર માર્ગમાં લોકોએ ફૂલ વરસાવ્યા અને તેમના પાર્થિવ દેહને લઈ જતા વાહન પાછળ ત્રિરંગો લઈને દોડવા લાગ્યા હતા. આ દરમિયાન સ્થાનિકોએ જનરલ બિપિન રાવત અમર રહે એવા નારા પણ લગાવ્યા હતા.

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત અમરતાના આ નારાઓ અને 17 તોપોની સલામીના ગુંજ વચ્ચે પંચતત્વમાં ભળી ગયા. બપોરે 2 વાગે દિલ્હીના 3 કામરાજ માર્ગે તેમના ઘરથી નીકળેલી અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.

તેમની અંતિમ યાત્રામાં આવેલા સૌની આંખો ભીની હતી, પરંતુ તેમના ચહેરા ઉપર પરાક્રમનું ગૌરવ પણ હતું અને તેમના સન્માનમાં પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. મા ભારતીના બહાદુર પુત્ર માટે નારા લગાવવામાં આવ્યા હતા. સીડીએસ રાવત અને તેમની પત્નીને તેમની પુત્રીઓ કૃતિકા અને તારિણીએ રૂઢિચુસ્ત નિયમોને તોડીને અગ્નિદાહ આપ્યો હતો. એટલું જ નહીં, જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના મૃતદેહને પણ એક સાથે ચિતા પર રાખવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જનરલ બિપિન રાવતના નાના ભાઈ અને મધુલિકા રાવતનો પરિવાર પણ હાજર હતો. એટલું જ નહીં, મોટી સંખ્યામાં સૈનિકોના પરિવારો, રાજકીય હસ્તીઓ, સેનાના વડાઓ અને ઘણા દેશોના રાજદ્વારીઓ પણ હાજર હતા. જનરલ બિપિન રાવત એક સૈન્ય અધિકારી હતા, તેમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના નિધન પર ઈઝરાયેલ, અમેરિકા, ફ્રાન્સ અને રશિયા સહિત અનેક દેશોએ શોક વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, તેમના મૃત્યુને એક નજીકના મિત્રની ખોટ તરીકે વર્ણવવામાં આવી હતી.

Niraj Patel