‘મારો પતિ મને અને મારી દીકરીને માર મારે છે…’ ગૌતમ સિંઘાનિયા પર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ
અરબપતિ બિઝનેસમેન અને રેમન્ડ ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયા હાલ ઘણા ચર્ચામાં છે. ગૌતમ સિંઘાનિયા લગ્નના 32 વર્ષ બાદ પત્ની નવાઝ મોદીથી અલગ થવા જઇ રહ્યા છે. જો કે, છૂટાછેડા મામલે નવો મોડ આવ્યો છે. નવાઝ મોદીએ ગૌતમ સિંઘાનિયા પર મારપીટનો આરોપ લગાવ્યો છે. હજુ તો હાલમાં જ ખબર આવી હતી કે નવાઝ મોદીએ ગૌતમ સિંઘાનિયાની લગભગ 11000 કરોડ રૂપિયાની સંપત્તિમાંથઈ 75% હિસ્સાની માગ પોતાના અને બે દીકરીઓ નિહારિકા-નિસા માટે કરી છે.
ત્યારે હવે એક દિવસ બાદ નવાઝે સિંઘાનિયા પર મારપીટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઇન્ડિયા ટુડે સાથે ખાસ વાતચીત દરમિયાન Raymondના માલિક ગૌતમ સિંઘાનિયા પર તેમની પત્ની નવાઝ મોદીએ ગંભીર આરોપ લગાવ્યો. તેણે કહ્યું કે ગૌતમ સિંઘાનિયાએ તેને અને પુત્રીને નિર્દયતાથી માર માર્યો, લાત મારી અને મુક્કા પણ માર્યા.
તેનો દાવો છે કે સિંઘાનિયાએ તેને અને તેની સગીર પુત્રી નિહારિકાને લગભગ 15 મિનિટ સુધી માર માર્યો હતો. નવાઝ મોદીએ કહ્યું કે 9 સપ્ટેમ્બરના રોજ ગૌતમના જન્મદિવસની પાર્ટી પછી સવારના 5 વાગ્યાની વાત છે, જ્યારે હું અને મારી બંને દીકરીઓ પણ કેટલાક મિત્રો સાથે હાજર હતી. ત્યારે અચાનક જ તેણે આવી હુમલો કરી દીધો અને ત્યાંથી ગાયબ થઈ ગયો. હું માત્ર કલ્પના કરી શકતી હતી કે તે બંદૂક અથવા કોઈ હથિયાર લેવા ગયો હતો.
નવાઝે કહ્યું કે તે તેની પુત્રીને બીજા રૂમમાં ખેંચી ગઇ અને પછી પીઠને ટેકો આપવા માટે ટુવાલ લેવા ચાલી ગઇ. નવાઝે કહ્યું કે તેણે બે સર્જરી કરાવી છે, ગૌતમ આ વાત જાણતો હતો. તેમ છતાં, ગૌતમ સિંઘાનિયાએ મને ઘણી વખત રૂમની ચારે બાજુ ફરાવી. તે આ ફક્ત મારી પુત્રી અને મારા માટે કરી રહ્યો હતો અને અમે એકબીજાને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
નવાઝ મોદીએ તેના પતિ ગૌતમ સિંઘાનિયા પર આરોપ મૂકતા વધુમાં કહ્યું કે ગૌતમ હંમેશા બિઝનેસમેન અતુલ્ય મફતલાલને પોતાનો સુપરહીરો માનતો હતો, જેનું ગયા વર્ષે નિધન થયું હતું. મફતલાલ પર તેની પત્ની પર હુમલો કરવાનો આરોપ હતો. અતુલ્યએ તેની પત્ની સાથે શું કર્યું, કેવી રીતે તેની પત્ની પાયલ મફતલાલ જ્યારે ખરીદી કરવા ગઈ ત્યારે રસ્તામાં તેણે હુમલો કર્યો. તેણે તેને તેના બંગલાની બહાર તાળું મારી દીધું હતું. તેની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી.નવાઝ મોદીના કહેવા પ્રમાણે પતિ ગૌતમ વિચારે છે, વાહ, શું માણસ છે મફતલાલ!
મારો મતલબ ‘શું શક્તિ, શું નિયંત્રણ, શું શક્તિ…!’ આ એવી વાત છે જે તે લાંબા સમયથી મારી સાથે કરવા માંગતો હતો, જેના વિશે હું જાણતી હતી. આ ઉપરાંત એવા અહેવાલ છે કે જન્મદિવસની પાર્ટી બાદ જ્યારે નવાઝ અને દીકરી નિહારિકા પર ગૌતમ સિંઘાનિયાએ હુમલો કર્યો ત્યારે એક રૂમમાં આશ્રય લઈને નવાઝ અને તેની દીકરીએ પોલીસની મદદ લેવાનો પ્રયાસ કર્યો. જો કે, એક ઈન્ટરવ્યુમાં આ ઘટનાનું વર્ણન કરતા એક ઈન્ટરવ્યુમાં નવાઝ મોદીએ ખુલાસો કર્યો હતો કે નીતા અંબાણી અને અનંત અંબાણીએ તેમને બચાવ્યા હતા.
જણાવી દઇએ કે, ગૌતમ સિંઘાનિયા અને તેની પત્ની નવાઝ મોદી વચ્ચે છૂટાછેડાના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. લગ્નના 32 વર્ષ બાદ બંને એકબીજાથી અલગ થવા જઇ રહ્યા છે. ત્યારે આ દરમિયાન સોમવારે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે અબજોપતિ ગૌતમ સિંઘાનિયાની પત્નીએ છૂટાછેડાને લઈને એક મોટી શરત મૂકી છે. તેણે સંપત્તિનો 75 ટકા હિસ્સો આપવાની માંગ કરી છે.