માફિયા મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત, સારવાર દરમિયાન તોડ્યો હોસ્પિટલમાં દમ

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીનું ગુરુવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. મુખ્તાર અંસારીને બાંદા મેડિકલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો, 9 ડોકટરોની ટીમ તેને મોનીટરીંગ કરી રહી હતી. જો કે, તેનું સારવાર દરમિયાન મોત થયુ. બાંદા મેડિકલ કોલેજ દ્વારા જારી કરાયેલ મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે. મુખ્તાર અંસારીના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે.

રાત્રે 8.25 કલાકે મુખ્તારને જેલમાંથી રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં ઉલ્ટીની ફરિયાદ અને બેભાન અવસ્થામાં લઈ જવામાં આવ્યો હતો. મુખ્તાર અંસારી સામે 65થી વધુ કેસ નોંધાયા હતા. પ્રથમ સજા 21 સપ્ટેમ્બર 2002ના રોજ થઈ હતી. 2 કેસમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેને 17 મહિનામાં 8 વખત સજા કરવામાં આવી હતી. આ દરમિયાન મઉ, ગાઝીપુર અને બાંદામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાંદા મેડિકલ કોલેજની બહાર મોટી સંખ્યામાં અર્ધ લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે.

DGP હેડક્વાર્ટર દ્વારા તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. માફિયા મુખ્તારના પરિવારના સભ્યો પણ બાંદા જવા રવાના થયા હતા. ત્યાં બીજી બાજુ મુખ્તારના મુહમમ્દાબાદમાં પૈતૃક ઘરે પણ લોકો એકઠા થવા લાગ્યા છે. મુખ્તારના ઘરની આસપાસ પણ પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. ગાઝીપુર, મઉ, આઝમગઢ પોલીસને હાઈ એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર અફવા, ભડકાઉ તેમજ વાંધાજનક પોસ્ટ સામે પગલાં લેવા પણ સૂચના અપાઇ છે.

મુખ્તારના મોત બાદ મઉ, બાંદા અને ગાઝીપુરમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. જણાવી દઇએ કે, મુખ્તાર અંસારી 63 વર્ષનો હતો અને તેના પિતાનું નામ સુભાનલ્લાહ અંસારી હતું. પૂર્વાંચલની રાજનીતિ પર દબદબો રાખવા વાળા મુખ્તાર અંસારીના રસૂખને યોગી આદિત્યનાથ સરકારના કાર્યકાળમાં ખત્મ કરી દેવાયો હતો. મુખ્તાર અંસારીની ગેંગ સામે સતત કાર્યવાહી ચાલી રહી છે. ઉત્તર પ્રદેશનો માફિયા ડોન અત્યાર સુધીમાં આઠ કેસમાં દોષિત ઠર્યો હતો. બનાવટી હથિયાર લાયસન્સ કેસમાં મુખ્તારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

બે દોષિતો પર કોર્ટ સ્ટે આપવાના કેસને બાજુ પર રાખીને પણ મુખ્તાર અંસારીને છ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. મુખ્તારનો આખો પરિવાર હાલમાં કાયદાકીય મામલામાં ફસાયેલો છે. ગાઝીપુરના બીએસપી સાંસદ અને મુખ્તારના મોટા ભાઈ અફઝલને પણ ગેંગસ્ટર એક્ટ હેઠળ ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં સંસદ સભ્યપદ પણ છીનવી લેવામાં આવ્યું હતું. જોકે, બાદમાં કોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી અને અફઝલનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. ફરી એકવાર સમાજવાદી પાર્ટીએ તેમને ગાઝીપુરથી ઉમેદવાર બનાવ્યા.

Shah Jina