ગાંધીનગર : યુવતીને બચાવવા કેનાલમાં પડેલા બે યુવાનો ડૂબ્યા, એકની લાશ મળી- એક હજુ પણ લાપતા

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના ઘણા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં ગાંધીનગરમાંથી એક કિસ્સો સામે આવ્યો. કરાઈ નર્મદા કેનાલ પાસે 10 માર્ચે સવારે ચાર યુવાનો-બે યુવતીઓ મળી છ મિત્રોનું ગ્રુપ આવ્યું હતું. આ દરમિયાન એક યુવતિનો પગ લપસી જવાને કારણે તે કેનાલમાં ડૂબવા લાગી. આ યુવતીને બચાવવા પડેલા બે મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા.

જો કે, યુવતી તો બચી ગઈ પરંતુ બંને પૈકી એકની લાશ જેતે વખતે મળી આવી અને એકની શોધખોળ ચાલી રહી છે. સરકારી-પ્રાઈવેટ ફાયર બ્રિગેડ દ્વારા સતત ત્રણ દિવસથી કેનાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કરાઈ કેનાલથી 50 કિલોમિટરનો એરિયા ખૂંદી નાખવામાં આવ્યો છતાં પણ હજી સુધી એક યુવકનો પત્તો નથી લાગ્યો. પ્રાપ્ત જાણકારી અનુસાર, મૂળ ગીર સોમનાથનો ભવ્યેશ કારીયા અમદાવાદમાં રહી ડાન્સ કોરિયોગ્રાફર તરીકે કામ કરતો હતો.

9 માર્ચના રોજ ભવ્યેશ તેના મિત્રો જલકસિંહ સોમચંદ્રસિંહ, રોહિત, ક્રુપેન, પૂજા અને શર્મિષ્ઠા એમ છ જણા આઉટિંગ માટે નિકળ્યા હતા. તે બાદ પછીના દિવસે એટલે કે 10 માર્ચે સવારે વહેલી સવારે છ મિત્રોનું ગ્રુપ કરાઈ કેનાલ આવ્યું હતું. જ્યાં શર્મિષ્ઠાનો પગ લપસતા તે સીધી કેનાલમાં જઈને પડી.

શર્મિષ્ઠાને બચાવવા માટે ભવ્યેશ કેનાલમાં કૂદ્યો અને પાણીનું વહેણ વધુ હોવાથી શર્મિષ્ઠા અને ભવ્યેજ બંને ડૂબવા લાગ્યા હતા. આ જોઈને જલકસિંહ બંનેને બચાવવા કેનાલમાં કૂદી પડ્યો. જો કે એકબીજાને બચાવવાની મથામણમાં ત્રણેય પાણીમાં ડૂબવા લાગ્યા. બહાર રહેલા અન્ય ત્રણ મિત્રો કઈ કરે ત્યાં સુધીમાં તો શર્મિષ્ઠા, ભવ્યેશ અને જલકસિંહ ડૂબતા ડૂબતા 200 મીટર આગળ નીકળી ગયા. આ દરમિયાન રોહિત હિંમત કરીને કેનાલમાં ઉતર્યો અને પોતાનું જેકેટ પાણીમાં નાખીને ત્રણેયને બચાવવાનાં પ્રયાસો કરવા લાગ્યો.

બે મિત્રોની મદદથી જેમતેમ કરીને શર્મિષ્ઠા કેનાલની કિનારીએ પહોંચી પરંતુ ભવ્યેશ અને જલકસિંહ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. બાદમાં રોહિત સહિતના મિત્રોએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા અને ધજા સહિતની ચીજોની મદદથી જલકસિંહની લાશને બહાર કાઢી. જો કે, હજુ સુધી ભવ્યેશનો કયાંય પત્તો લાગ્યો નથી. ત્યાં શર્મિષ્ઠાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

Shah Jina