VIDEO: એક શહિદની જેમ મોરને આપવામાં આવી અંતિમ વિદાઈ, ત્રિરંગામાં લપેટવામાં આવ્યું શરીર

જ્યારે પણ ભારતીય જવાન સરહદ પર શહિદ થાય છે ત્યારે તેને ત્રિરંગાથી લપેટીને પુરા સન્માન સાથે અંતિમક્રિયા કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય કોઈ પક્ષીની આવી રીતે અંતિમક્રિયા જોઈ છે? કદાચ તમારો જવાબ હશે નહીં. પરંતુ આવી એક ઘટના સામે આવી છે રાજસ્થાનમાં જ્યાં એક મોરની અંતિમયાત્રા એક શહિદની જેમ કરવામાં આવી. તેની અંતિમયાત્રામાં દેશભક્તિના ગીતો પણ વગાડવામાં આવ્યા હતા અને તેના શરીરને ત્રિરંગામાં લપેટવામાં આવ્યું હતું. જ્યારે મોરની અંતિમયાત્રા નિકળી ત્યારે દરેક વ્યક્તિ ઉત્સુકતાથી જોવા લાગ્યા કે કોણ શહિદ થયું.

મંડાવા મોડ વિસ્તારમાં એક મોર વિજળી તાર સાથે અથડાયો હતો. જેમાં તેને ઈલેક્ટ્રિક શોક લાગતા તે જમીન પર પટકાયો અને સારવાર દરમિયાન તેનું મોત થયું. જે ડોક્ટર તેની સારવાર કરી રહ્યા હતા તેમની ઓળખ એક પક્ષીપ્રેમી તરીકેની છે. જ્યારે તે મોરને બચાવી ન શક્યા ત્યારે તે પણ ઉદાસ થઈ ગયા. ત્યારબાદ ત્યાં હાજર લોકોને ડોક્ટરે કહ્યું કે આપણે આ મોરની અંતિમવિધિ પુરા સન્માન સાથે કરવી છે. ત્યારબાદ બધા લોકોએ તેમની વાત માની લીધી અને કદી કોઈ પક્ષીને મર્યા બાદ ન મળ્યું હોય તેવું સન્માન આપવામાં આવ્યું.

રાષ્ટ્રીય પક્ષી મોરની પૂરા સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી. એટલું જ નહીં મોરની અર્થીને તે જ રીતે કાંધ આપવામાં આવી જેવી કોઈ માણસના મોત સમયે આપવામાં આવે છે. મોરને ત્રીરંગામાં લપેટવામાં આવ્યો હતો અને ચાર લોકો દ્વારા કાંધ આપવામાં આવી.આ ઉપરાંત અંતિમયાત્રા સમયે ડિજેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા. શહેરના જ્યાં જ્યાં વિસ્તારમાંથી આ મોરની અંતિમયાત્રા નિકળી લોકોએ હાથ જોડીને તેમને પ્રણામ કર્યા.

મોરની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એટલું જ નહીં અંતિમયાત્રા જોઈને દુકાનના થડે બેસેલા વેપારીઓ પણ ઉભા થઈ ગયા અને મોરને અંતિમ પ્રમાણ કર્યા.અંતિમયાત્રા બાદ ડોક્ટરે જણાવ્યું કે આ જિલ્લામાં 10 હજારથી પણ વધુ મોર છે. આ અંતિયાત્રા મંડાવા રોડથી નિકળીને ઈન્દિરા નગર સ્થિત સ્મશાન ઘાટ પહોંચી હતી. આ દરમિયાન પુરા સન્માન સાથે મોરની અંતિમ ક્રિયા કરવામાં આવી.

YC