રાજકોટમાં 109 વર્ષના વૃદ્ધાની લગ્નના વરઘોડાની જેમ ઠાઠથી નીકળી અંતિમયાત્રા, મોટી સંખ્યામાં જોડાયા લોકો

ગુજરાતમાંથી ઘણીવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે તેને જોઇને કે સાંભળીને આપણે પણ આશ્રર્યમાં મૂકાઇ જઇએ. હાલ રાજકોટમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. એક 109 વર્ષના વૃદ્ધાનું મોત થઇ જતા તેમની અંતિમયાત્રા લગ્નના વરઘોડાની જેમ કાઢવામાં આવી હતી. પરિવારજનો દ્વારા આ અંતિમયાત્રા ઘણી ધૂમધામથી કાઢવામાં આવી હતી અને આ અંતિમયાત્રામાં લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. બેન્ડબાજા અને ઘોડા સાથે અંતિમયાત્રા નીકળતા લોકોમાં પણ આકર્ષણ જામ્યુ હતુ અને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

રાજકોટના સરધારમાં રહેતા 109 વર્ષના કંકુબેન શિવાભાઈ ખૂંટનું નિધન થઇ ગયુ હતું. આ માટે ખૂંટ પરિવારે ઘોડા, બેન્ડવાજા, ઢોલ-નગારા સાથે સ્મશાનયાત્રા કાઢી હતી. સ્મશાનયાત્રામાં લગ્નના વરઘોડા જેવો નજારો જોવા મળતા ગ્રામજનો જોવા માટે ઉમટી પડ્યા હતા. પરિવાર દ્વારા અંતિમયાત્રાને યાદગાર બનાવવા માટે આવું કરવામાં આવ્યુ હતુ. રાજકોટના સરધાર ગામમાં અનોખી અંતિમયાત્રા નીકળતા રસ્તા પર પસાર થતા લોકો પણ થોડીવાર માટે ઉભા રહી ગયા હતા. તેમજ આજુબાજુના ગામોમાંથી પણ લોકો સ્મશાનયાત્રા નિહાળવા ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ અંતિમયાત્રામાં ખૂંટ પરિવાર દ્વારા ઢોલ-નગારા અને બેન્ડબાજા પણ સામેલ કરવામાં આવ્યા હતા અને સ્મશાનયાત્રા નીકળતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કંકુબેનની અંતિમ ઈચ્છા હતી કે તેમના મોત પર પરિવાર શોક નહીં પણ આનંદથી ઉજવણી કરે. તેમની આ ઈચ્છાને માન આપી પરિવાર દ્વારા ઢોલ-નગારા સાથે બેન્ડબાજા વગાડી અંતિમયાત્રા કાઢવામા આવી હતી. સરધાર ગામની શેરીઓમાં આ અંતિમયાત્રા નીકળતા લોકો મોટી સંખ્યામાં આ અનોખા દૃશ્યો જોવા માટે ઉમટી પડ્યા હતા.

રાજકોટ જિલ્લામાં આ અંતિમયાત્રા ચર્ચાનું કેન્દ્ર બની હતી. ગામના વૃદ્ધાને તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલી આ વિદાયને ગ્રામજનોએ ઘણી વખાણી હતી. આ સાથે સાથે વૃદ્ધાના આત્માની શાંતિ માટે પણ સૌએ પ્રાર્થના કરી હતી. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિની અંતિમયાત્રા શોકનો પ્રસંગ ગણાય છે અને આ ગમગીનીના માહોલમાં સરધાર ગામમા અનોખી સ્મશાન યાત્રા લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની હતી. આ સ્મશાન યાત્રા જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina