વલસાડમાં માલદાર પરિવારના નબીરાની નીચી હરકત, વૈભવી કાર લઈને પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ભરાવતો અને પછી નાસી છૂટતો, આખરે ઝડપાઇ ગયો

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સામાન્ય માણસ માટે પણ માથાનો દુઃખાવો બની ગયો છે, પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે ઘણીવાર એવી એવી હરકતો કરતા હોય છે જે જોઈને આપણે પણ હેરાનીમાં રહી જઈએ. હાલ વલસાડના એક એવા જ પૈસાદાર ઘરના નબીરાની હરકત સામે આવી છે. જે પેટ્રોલપંપ ઉપર વૈભવી કાર લઇ જઈને ગાડીની ટાંકી ફૂલ કરાવતો અને પછી ભાગી જતો હતો. પરંતુ પોલીસે આખરે તેને ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 21 મી સપ્ટેમ્બરના રોજ રાત્રીના 8.25 કલાકે નંદીગામના રિલાયન્સ પેટ્રોલ પંપ પર એન્ડીવીયર કાર માં રૂ.5677.77નું ડીઝલ ભરાવી રૂપિયા ચૂકવ્યા વિના છું થઈ ગયો હતો. તેને બારકોડ દ્વારા પેમેંટ ચૂકવવાનું કહીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પેટ્રોલપંપ ઉપર ડીઝલ ભરી રહેલા ફિલરમેન દ્વારા બુમા બૂમ પણ કરવામાં આવી હતી, પરંતુ એ પહેલા કાર ચાલક ગાડી લઈને ફરાર થઇ ગયો હતો.

આ પહેલા પણ આ યુવક ભિલાડના ત્રણ પેટ્રોલ પંપ પર કર્મચારી સાથે છેતરપિંડી કરવા ઉપરાંત મહારાષ્ટ્ર અને પારડીના ૬ પંપો પર ખેલ કર્યો હોવાનું બહાર આવ્યું છે. જે ઘટનાઓ પણ સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. આ અંગેની ફરિયાદ પેટ્રોલપંપના ફિલરમેન મનોજભાઈ કમલેશભાઈ વડાએ પોલીસમાં નોંધાવી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે કાર ચાલકે પાછળની નંબર પ્લેટને કપડાથી ઢાંકી દીધી હતી. ભીલાડ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ બાદ પીએસઆઇ બીએચ રાઠોડે તપાસ હાથ ધરી હતી. ખાનગી બાતમીદાર અને વર્ણન ના આધારે તપાસ હાથ ધરતા કારચાલક ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ફણસાનો હોવાનું બહાર આવતા તેની અટકાયત કરી હતી.

આ તપાસમાં સામે આવ્યું કે કે ફણસા ચાર રસ્તા ખાતે રહેતો અને બિલ્ડીંગ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલો ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ એન્ડીવીયર કાર ન.GJ.04.9946માં નંદીગામ પેટ્રોલપંપ પર 58.77 લીટર ડીઝલ ભરાવી રૂપિયા 5677.77 ચૂકવ્યા વિના ફરાર થઇ ગયો હતો, આ ઉપરાંત ભીલાડ વિસ્તારમાં ત્રણ, ઉદવાડા પારડી વિસ્તારમાં 3 અને તલાસરી વસઈ વિસ્તારમાં 3 પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવીને પણ ફરાર થઇ ગયો હતો, જેની કબૂલાત આરોપીએ કરી હતી.

Niraj Patel