દીકરો નથી તો શું થયું, 5-5 દીકરીઓએ નિભાવ્યો દીકરાનો ધર્મ, માતાની અર્થીને કાંધો આપીને આપ્યો અગ્નિદાહ, સમાજમાં ચીતર્યો એક નવો ચીલો

હિન્દૂ ધર્મમાં મહિલાઓ સ્મશાને જતી નથી. પણ ગીરમાં આ પાંચેય દીકરીઓએ ધર્મની આંટીઘૂંટી તોડી સ્મશાન પહોંચી અને પોતાની માતાને અગ્નિ સંસ્કાર આપ્યા

આપણા દેશમાં કેટલીક માન્યતાઓ આજે પણ જોવા મળે છે, ભલે દુનિયા 21મી સદીમાં પહોંચી ગઈ છતાં પણ આજે કેટલાક સમાજ અને કેટલાક વિસ્તારોમાં એજ રૂઢ થઇ ગયેલા રિવાજો જોવા મળે છે, પરંતુ હવે ઘણા લોકો સમજુ પણ થયા છે અને સમાજને એક નવી દિશામાં લઇ જવા માટે તે પહેલ પણ કરતા જોવા મળે છે.

આવી જ એક ઘટના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામેથી સામે આવી છે. જ્યાં માતાનું નિધન થયા બાદ તેમની પાંચ દીકરીઓએ તેમની નનામીને કાંધ આપી હતી અને સ્મશાનમાં લઇ જઈને અગ્નિ દાહ આપ્યો હતો. આ ઘટનાએ સમાજને એક નવી રાહ ચીંધી હતી.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર ગામમાં રહેતા ગાંડાભાઈ રાઠોડ અને તેમની પત્ની નાગાલબેનને સંતાનોમાં કોઈ દીકરો નહોતો અને પાંચ પાંચ દીકરીઓ હતી. આ તમામ દીકરીઓ પરણી અને તેમના સાસરે સ્થાયી થઇ ગઈ હતી. ત્યારે પરિવારમાં માતાનું નિધન થતા જ પાંચેય દીકરીઓ પિતાના ઘરે આવી ગઈ હતી.

ત્યારે આપણી પરંપરા અને  રીતિ રિવાજ પ્રમાણે માતા-પિતાનું નિધન થતા અગ્નિદાહ દીકરો આપતો હોય છે, પરંતુ આ પરિવારમાં દીકરો ના હોવાના કારણે પાંચેય દીકરીઓએ પોતાની માતાની અંતિમ વિધિ કરવાનું નક્કી કર્યું અને માતાની અર્થીને કાંધો આપી અને સ્મશાનમાં લઇ ગયા બાદ અગ્નિદાહ પણ આપ્યો. આ નજારો ખુબ જ ભાવુ કરી દેનારો હતો. આ દૃશ્યો નિહાળીને ગામના લોકોમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો.

Niraj Patel