એક પાદરીની પ્રાર્થના બાદ શરૂ થયો આ ચમત્કાર
આકાશમાંથી પાણી ઉપરાંત કરા અને એસિડના વરસાદ વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય આકાશમાંથી માછલીઓના વરસાદ વિશે સાંભળ્યું છે. આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં છેલ્લા 100 વર્ષથી આકાશમાંથી માછલીઓનો વરસાદ થઈ રહ્યો છે. નવાઈની વાત એ છે કે આજદિન સુધી તેનું કારણ શોધી શક્યું નથી.
માછલીઓનો વરસાદ કરનારા દેશનું નામ હોન્ડુરાસ છે. આ દેશ મેક્સિકોની નજીક આવેલો છે. તે ઘણા દાયકાઓથી આ અદ્ભુત ઘટનાનો સાક્ષી છે. આ અદ્ભુત ઘટના છે આકાશમાંથી માછલીઓનો વરસાદ. છેલ્લા 100 વર્ષથી અહીં માછલીઓના વરસાદની ઘટના બને છે.
વર્ષમાં એક કે બે વાર વરસાદ પડે છે : ક્યારેક વર્ષમાં એક વાર તો ક્યારેક બે વાર વરસાદ પડે છે. આ અદ્ભુત ઘટના વસંત ઋતુના અંતમાં અથવા ઉનાળાના પ્રારંભમાં થાય છે. હોન્ડુરાસ એટલાન્ટિક મહાસાગરથી માત્ર 200 કિલોમીટર દૂર છે. વૈજ્ઞાનિકનું કહેવું છે કે એટલાન્ટિક મહાસાગરના કારણે જ અહીં માછલીઓનો વરસાદ થાય છે. પરંતુ અહીંના રહેવાસીઓ માછલીના વરસાદને ભગવાનનો કરિશ્મા ગણાવે છે.
19મી સદીમાં આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી : હોન્ડુરાસના લોકો માછલીના આ વરસાદ પાછળ દલીલ કરે છે કે 19મી સદીમાં અહીંના લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, જેના કારણે લોકો ભૂખે મરતા હતા. આ બધું ત્યાં રહેતા એક સ્પેનિશ પાદરીથી ન જોવાયું. તેથી તેણે ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી સતત પ્રાર્થના કરી. તે પછી ભગવાનને અહીં ગરીબ લોકો માટે ચમત્કાર બતાવવા અને તેમના ભોજનની વ્યવસ્થા કરવા કહ્યું.
પાદરીની પ્રાર્થના પછી અંધારું થઈ ગયું : કહેવાય છે કે પાદરીની પ્રાર્થનાને કારણે હોન્ડુરાસમાં અંધકાર છવાઈ ગયો. તે પછી આકાશમાંથી માછલીઓનો વરસાદ શરૂ થયો. ત્યારથી દર વર્ષે આ ચમત્કાર અહીં જોવા મળે છે. એવું કહેવાય છે કે અહીં માછલાં વરસતા પહેલા મુશળધાર વરસાદ પડે છે. આ દરમિયાન વીજળી એટલી ઝડપથી ત્રાટકે છે કે કોઈ ઘરની બહાર નીકળવાની હિંમત કરતું નથી.
જ્યારે વરસાદ બંધ થાય છે અને હવામાન સાફ થાય છે, ત્યારે લોકો ડોલ અને ટોપલીઓ લઈને ઘરની બહાર નીકળી જાય છે અને રસ્તાઓ પર પડેલી માછલીઓ ઉપાડી લે છે. આ સમય દરમિયાન લોકોને કોઈપણ મહેનત વગર સીફૂડ ખાવાનો મોકો મળે છે.