બસ હવે થોડા જ દિવસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટ સંભળાવશે સજા, શું આરોપીને આપવામાં આવશે ફાંસી ? જુઓ કોર્ટમાં શું થયું

સુરતના પાસોદરામાં ગત ફેબ્રુઆરી માસની 12મી તારીખના રોજ માસુમ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણી નામના નરાધમ યુવકે ગળું કાપીને હત્યા કરી નાખી હતી, જેના બાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આરોપી ફેનિલની ધરપકડ બાદ અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ આખા ગુજરાતમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો હતો અને હત્યારાને ફાંસીની સજા થાય તેવી માંગણી પણ ચાલી રહી હતી, જેના કારણે આ કેસમાં પોલીસ તપાસ પણ ખુબ જ ઝડપી બની અને માત્ર 6 દિવસમાં જ તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી.

આ કેસ પહેલા કઠોર કોર્ટમાં ચાલતો હતો જેના બાદ આ કેસને સુરત કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો, જ્યાં ન્યાયાધીશ શ્રી વિમલ કે વ્યાસ સાહેબની કોર્ટમાં આ કેસનું ડે ટુ ડે ટ્રાયલ ચાલુ થયું. ગ્રીષ્મા તરફથી આ કેસ જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા લડી રહ્યા હતા, તો આરોપી તરફથી આ કેસ વકીલ ઝમીર શેખ લડી રહ્યા હતા.

આ કેસમાં 190 જેટલા સાક્ષીઓ હતા, જેમાંથી કોર્ટ દ્વારા 105 સાક્ષીઓની જુબાની લીધા બાદ બાકીના સાક્ષીઓને રદ્દ કર્યા હતા. ત્યારબાદ કોર્ટમાં બંને પક્ષના વકીલોની દલીલ પણ ચાલી હતી, જે આજે પૂર્ણ થઇ. પહેલા સરકારી વકીલ નયન સુખડવાલાએ પોતાની દલીલો રાખી જેના બાદ આરોપી પક્ષના વકીલ ઝમીર શેખે પણ પોતાની દલીલો રજૂ કરી હતી.

આજ રોજ બંને પક્ષ તરફથી દલીલો પૂર્ણ થયા બાદ સંભવતઃ આ કેસનો ચુકાદો હવે આગામી 16 એપ્રિલના રોજ આવી શકે છે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. ગ્રીષ્માનો કેસ લડી રહેલા જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માંગણી પણ કરવામાં આવી છે. તો બીજી તરફ આરોપીનો કેસ લડી રહેલા વકીલ ઝમીર શેખે પણ ફેનિલને ફસાવવા ઝડપી ચાર્જશીટ દાખલ કરી હોવાની દલીલો પણ કરી હતી.

Niraj Patel