હું સીધો રિક્ષા મૂકી દોડ્યો..’, બોટકાંડમાં 4 બાળકોને બચાવનાર પિતા-પુત્રએ જણાવી હકીકત
Father-son saved the lives of 4 children : વડોદરાના હરણી લેકમાં સર્જાયેલી દુર્ઘટના કાળજું કંપાવી દેનારી છે. વડોદરાના જ વાઘોડિયા રોડ પર આવેલી ન્યુ સનરાઈઝ નામની ખાનગી શાળાના બાળકો ખુશી ખુશી પીકનીક પર આવ્યા હતા અને તેમને સપનામાં પણ ખ્યાલ નહોતો કે આ તેમના જિંદગીની અંતિમ પીકનીક બની જવાની છે. શાળામાંથી 82 બાળકો પ્રવાસ માટે આવ્યા અને હરણી લેક પર બોટ રાઈડ કરવા માટે પહોંચ્યા, પહેલા બે બોટ સહી સલામત રાઈડ કરીને પાછી આવી પરંતુ ત્રીજી બોટ પાણીમાં પલટી ગઈ અને 14 જેટલા બાળકો અને 3 શિક્ષકો મોતને ભેટ્યા.
રીક્ષા ચાલકે બચાવ્યા જીવ :
ત્યારે આ ઘટના અંગે જાણ થતા જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા, તેમાં એક રીક્ષા ડ્રાઈવર પણ છે તેને પણ પાણીમાં કૂદીને 4 જેટલા બાળકોનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાને લઈને રીક્ષા ચાલક રવિન્દ્ર રાઠવાએ પણ વાત કરતા જણાવ્યું કે “હું અહીંયા હરણી ગામમાં જ રહું છું. તેમજ સ્કૂલ વાન ચલાવું છું. ત્યારે હું છોકરાઓને મુકવા જતો હતો. તે દરમ્યાન મે જોયું તો હરણી તળાવમાં બોટ પલ્ટી મારી ગઈ હતી.”
પિતા સાથે મળી 4 બાળકોને બહાર કાઢ્યા :
તેને આગળ જણાવ્યું કે, “ત્યારે મારી વાન મુકીને હું પરત આવી રહ્યો હતો. તે દરમ્યાન મે જોયું કે એક બાળકને ડૂબેલી હાલતમાં બહાર કાઢવામાં આવી રહ્યો છે. જેના બાદ હું દોડતો ત્યાં પહોંચ્યો તેમજ મે પણ બે બાળકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ મેં મારા પપ્પાને આ ઘટના વિશે જાણ કરી હતી. જે બાદ મારા પપ્પાએ અંદર તળાવમાં પડી બીજા બે છોકરા બહાર કાઢ્યા હતા. એ રીતે મેં અને મારા પપ્પાએ મળીને 4 બાળકોને બહાર કાઢ્યા હતા.”
ઘટનાને લઈને અનેક સવાલો :
વડોદરામાં બનેલી આ ઘટનાએ ઘણા સવાલો ઉભા કર્યા છે. માનવ સર્જિત ભૂલના કારણે જ આ માસુમ ભૂલકાઓના શ્વાસ રૂંધાયા. સુરતના તક્ષશિલા કાંડ, મોરબીના કેબલ બ્રિજ તૂટી જવાની ઘટના બાદ વડોદરાના હરણી લેકમાં બનેલી આ ઘટના પણ માનવ બેદરકારીનું પરિણામ જ છે. જેને 17 લોકોનો ભોગ લીધો. આ મામલે પોલીસે 18 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે અને 3 લોકોની અટકાયત કરી છે, પરંતુ આ ઘટનાનો મુખ્ય જવાબદાર પરેશ શાહ હજુ પણ પોલીસ પકડથી ફરાર છે.