ગાંધીનગર : આર્થિક તંગીના કારણે પિતા-પુુત્રએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ

સમગ્ર રાજયમાંથી ઘણા આપઘાતના કિસ્સા સામે આવતા હોય છે. કોઇ પ્રેમમાં દગો મળવાને કારણે, તો કોઇ માનસિક ત્રાસથી આપઘાત કરતા હોય છે. કેટલાક લોકો આર્થિક તંગીને કારણે પણ મોતને વહાલુ કરી લેતા હોય છે. ત્યારે હાલ ગાંધીનગરના દહેગામમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પિતા-પુત્રએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી છે. તેમના આપઘાત પાછળ પ્રાથમિક કારણ આર્થિક તંગીનું જાણવા મળી રહ્યુ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ગાંધીનગરના દહેગામ ખાતે રહેતા પિતા-પુત્રએ ઘરેથી નીકળી જઇ કોઇ કારણસર રાયપુર નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી અને તેમના મૃતદેહો સોમવાર સવારના રોજ મળી આવતા ડભોડા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક પિતાનું નામ લક્ષ્મણજી ઠાકોર છે તેઓ દહેગામના બારિયા ગામે રહેતા હતા અને તેઓની ઉંમર 65 વર્ષ છે.

લક્ષ્મણજીને ત્રણ બાળકો છે અને તેમાં તેમનો એક પુત્ર જે 35 વર્ષનો છે તેનું નામ મુકેશ છે, જે અપરણિત છે. તેમને શાકભાજીનો ધંધો છે, ધંધો વધારે ચાલતો ન હોવાના કારણે તેઓ તેમના દીકરા સાથે કોઇ કારણસર ઘરેથી નીકળી ગયા હતા અને રાયપુર નર્મદા કેનાલમાં બંનેએ સાથે મોતની છલાંગ લગાવી હતી.

આ ઘટનાની જાણ થતા પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના અંગે પરિવારજનોને સંપર્ક કર્યો હતો. પોલિસને જાણ થતા જ પોલિસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બંનેની શોધખોળ હાથ ધરી હતી, જો કે, તેમનો પહેલા પત્તો લાગ્યો ન હતો તેથી તેમની સોમવારે ફરી શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને તેમની લાશ સાયફન પાસેથી મળી આવી હતી. ત્યાર બાદ પોલિસે બંનેની લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

લક્ષ્મણજી અને તેમના દીકરા મુકેશજીએ આર્થિક તંગીને કારણે આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યુ છે.જો કે, ગામમાં એવી વાતો થઇ હતી કે મુકેેશની માનસિક સ્થિતિ સારી ન હતી અને લક્ષ્મણજી પણ માનસિક રીતે પરેશાન હતા. પોલિસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તે પરિવારજનોની પૂછપરછ કરી રહ્યા છે.

Shah Jina