આર્જેન્ટિનાની જીતના જશ્નમાં ડૂબ્યું ભારત, ઠેર ઠેર જોવા મળ્યો જબરદસ્ત ઉત્સાહ, પ્રધાનમંત્રી મોદીએ પણ કરી ટ્વિટ, જુઓ જીતની ઉજવણીના વીડિયો

ફિફા વર્લ્ડ કપમાં જીત્યું આર્જેન્ટિના અને ઉત્સાહ દેખાયો છેક ભારતમાં, ઢોલ નગારા સાથે જાહેરમાં જોવા મળી જીતની ઉજવણી, જુઓ વીડિયો

ગઈકાલે કતારમાં ફિફા વર્લ્ડકપ 2022ની ફાઇનલ મેચ યોજાઈ. આ મુકાબલો ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે હતો. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને હરાવીને આર્જેન્ટિના ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. કતારમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ ટુર્નામેન્ટના ઈતિહાસની સૌથી રોમાંચક ફાઈનલોમાંની એક હતી, જેમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી હરાવીને ટાઈટલ જીત્યું હતું.

ત્યારે આ મેચમાં પોતાના છેલ્લા વર્લ્ડ કપમાં રમીને મેસ્સીએ પોતાની અધૂરી ઇચ્છા પૂરી કરી હતી જે તે 2014 માં ચૂકી ગયો હતો. ડિએગો મેરાડોના (1986) બાદ તેણે પોતાની ટીમને વર્લ્ડ કપમાં સ્થાન અપાવીને મહાન ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આર્જેન્ટિનાએ 80મી મિનિટે મેસ્સી અને એન્જલ ડી મારિયોના ગોલથી 2-0ની લીડ મેળવી હતી, પરંતુ એમબાપ્પેએ 80મી અને 81મી મિનિટે બે વખત ગોલ કરીને મેચને વધારાના સમયમાં ખેંચી લીધી હતી.

મેસ્સીએ વધારાના સમયની 108મી મિનિટમાં ગોલ કર્યો હતો, ત્યારબાદ એમ્બાપ્પેએ દસ મિનિટ બાદ મેચને પેનલ્ટી શૂટઆઉટમાં લઈ જવા માટે બરાબરી કરી હતી. શૂટઆઉટમાં, અવેજી ગોન્ઝાલો મોન્ટીલે નિર્ણાયક પેનલ્ટી પર ગોલ કર્યો, જ્યારે ફ્રાન્સના કિંગ્સલે કોમેન અને ઓર્લિયન ચૌમેની લક્ષ્ય ચૂકી ગયા. આર્જેન્ટિનાએ રવિવારે ફ્રાન્સને હરાવીને ત્રીજીવાર ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. બ્રાઝિલ પાંચ વર્લ્ડ કપ ટાઇટલ સાથે આ યાદીમાં સૌથી આગળ છે.

ત્યારે આર્જેન્ટિનાની ટીમના ખેલાડી મેસ્સીના ચાહકો દુનિયાભરમાં છે, ભારતમાં તેના લાખો ચાહકો છે, ત્યારે તેની ટીમ વર્લ્ડ કપ જીતે તો તેની ખુશી ચારેય તરફ જોવા મળવાની જ છે. આવો જ નજારો ભારતમાં પણ જોવા મળ્યો હતો. ભારતમાં પણ આર્જેન્ટિનાની જીતની ખુશીનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો પણ આ દિલધડક મેચનો આનંદ લઇ પોતાની ગમતી ટીમની જીત સાથે જ જાહેરમાં ઉજવણી કરતા પણ જોવા મળ્યા હતા.

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાની જીત માટે ટ્વીટ કર્યું અને લખ્યું કે તે સૌથી રોમાંચક ફૂટબોલ મેચોમાંથી એક માનવામાં આવશે. આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન, તેઓએ સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર રમત રમી. ભારતમાં હાજર આર્જેન્ટિના-લિયોનેલ મેસ્સીના લાખો ચાહકોએ પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.

આર્જેન્ટિનાના ચાહકોએ કોલકાતા, પશ્ચિમ બંગાળમાં જીતની ઉજવણી કરી, જ્યાં હજારો લોકો મોટી સ્ક્રીનની સામે FIFA ફાઇનલ જોઈ રહ્યા હતા. આર્જેન્ટિનાના વિજયની સાથે જ દરેક લોકો જશ્નમાં ઉછળી પડ્યા હતા. આ કિસ્સો માત્ર કોલકાતામાં જ નહીં પણ કેરળમાં પણ હતો, જ્યાં લોકો આર્જેન્ટિનાની જીતની ઉજવણી કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

Niraj Patel