ભરણપોષણ કેસ: પતિએ કહ્યું આવક નથી, પત્નીએ દુબઇના ફોટા દેખાડ્યા પછી ધબધબાટી બોલી ગઈ…

ઘણીવાર કપલ વચ્ચે અણબનાવના અથવા તો છૂટાછેડાના સમાચાર સામે આવતા હોય છે. કેટલીકવાર આવા મામલામાં કોર્ટ પત્નીને ભરણપોષણ ચૂકવવાનો પણ આદેશ કરે છે. પણ હાલ એક છૂટાછેડાનો અજીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરતની ફેમિલી કોર્ટે પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં સોશિયલ મીડિયા ફોટાના આધારે પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો છે. લગભગ ત્રણેક વર્ષથી ફેમિલી કોર્ટમા દાખલ થયેલાં ભરણપોષણના એક કેસમાં પતિ તેની પત્ની અને ત્રણ વર્ષની બાળકીને ભરણપોષણ ચુકવવાથી બચી રહ્યો હતો.

પણ આ મામલે જ્યારે પત્નીએ પતિના દુબઇના હાઇફાઈ લાઇફ સ્ટાઇલના ફોટો કોર્ટમાં બતાવ્યા તો અરજદારના સ્ટાન્ડર્ડ ઓફ લીવીંગ મુજબ સામાવાળા પત્નીને વચગાળાના ભરણપોષણ પેટે માસિક 10 હજાર અને બાળકી માસિક રૂપિયા 5000 વચગાળાનું ભરણ પોષણ મેળવવા હકદાર હોવાનું કોર્ટે ઠેરવ્યું. આ ઉપરાંત દર તારીખે કોર્ટમાં આવવાના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પેટે પણ અલગથી 250 રૂપિયા ચૂકવવા આદેશ કર્યો. સરથાણાની રહેવાસી મહિલાએ અમરોલીના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નજીવનથી તેમને એક દીકરી પણ છે, જે હાલ ત્રણ વર્ષની છે.

જો કે, બંને વચ્ચે ખટરાગ થતાં પત્ની બાળકી સાથે પિયર રહેવા ચાલી ગઇ હતી. જો કે, કોર્ટે આ મામલે બંને પક્ષોને સાંભળી ટાંક્યું કે, અરજદાર પતિના દુબઈ પ્રવાસના ફોટો રજુ થયા છે એટલે તે ઉચ્ચ કક્ષાની જીવન શૈલી ધરાવતો હોવાનું જણાઇ આવે છે. તેની માસિક આવક ખરેખર કેટલી છે તે તો રેકર્ડ પર નથી પણ જે પુરાવા રજુ કર્યા છે તે વૈભવી અને મોજશોખવાળુ જીવન જીવતા હોય તેવા છે એટલે આવું જીવન જીવવા પત્ની પણ હકદાર છે.

પત્નીના દીકરીને લઇને પિયર ગયા બાદ પતિએ પત્નીના વર્તનના આધારે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી અને તે બાદ ફેમિલી કોર્ટમાં મૂળ પિટિશનની સુનાવણી દરમિયાન પત્નીએ એડવોકેટ મારફત પતિ વિરૂદ્ધ કોર્ટમાં અરજી કરી હિંદુ મેરેજ એક્ટ હેઠળ પોતાનું અને પુત્રીનું ભરણપોષણ કરવા દાદ માગી હતી.

Shah Jina