‘વિદ્યાર્થીઓને તો દુરની વાત રહી પરંતુ કેનેડાના સ્થાનિક લોકોને પણ નથી મળતી નોકરી…’ જાણો સમગ્ર મામલો

ઘણા લોકોનું સપનું હોય છે વિદેશ જઇ નોકરી કરવાનું અને ખૂબ કમાવવાનું, ખાસ તો વાલીઓ ઇચ્છતા હોય છે કે તેમના બાળકો વિદેશ જઇ સારી કમાણી કરે. જો કે કહેવાય છે ને કે જે પીળું દેખાય એ કંઇ સોનું નથી હોતુ, કેનેડાની પણ આવી જ હકિકત છે. બીબીસીએ કેનેડાની હકિકતની તસવીર પેશ કરતો એક ગ્રાઉન્ડ રીપોર્ટ તૈયાર કર્યો છે. રીપોર્ટ અનુસાર, ત્રણેક વર્ષ પહેલા પંજાબની 24 વર્ષિય યુવતિ કેનેડા ગઇ હતી, તેણે તેનો અનુભવ જણાવતા કહ્યુ કે- જ્યારે તે પંજાબમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે ઘણા લોકો પાસેથી માત્ર કેનેડા વિશે જ સાંભળતી.

કેનેડા એક સ્વચ્છ શહેર છે, વિદ્યાર્થીઓ પાસે કાર છે, મોટા ઘર છે. મેં એવા વીડિયો પણ જોયા હતા જેમાં કેનેડા માટે સારી સારી વાતો કહેવામાં આવતી. મારા માતા-પિતા બંને પ્રોફેસર છે, અને તેઓ ઇચ્છતા હતા કે હું કેનેડા જાઉં. યુવતિ આગળ કહે છે કે મને કેટલાક લોકોએ ચેતવણી પણ આપી હતી પરંતુ મારા દિમાગમાં કેનેડા જવાનું ભૂત સવાર હતુ.

જો કે કેનેડા જઇ અહેસાસ થયો કે કેનેડાના સપનામાં અને હકિકતમાં ઘણુ મોટુ અંતર છે. એજન્ટ તમને મોટી-મોટી કહાનીઓ સંભળાવે છે, પણ ઘણી વાતો છૂપાવે છે. મારે 7 મહિના સુધી બેસમેન્ટમાં એક હોલમાં રહેવુ પડ્યુ. અભ્યાસ પૂરો કર્યા બાદ એક સુરક્ષા ગાર્ડના રૂપમાં કામ કરી રહી છું. અહીં નોકરી મેળા માટે લાંબી લાઇનો લાગે છે જેમાં વધારે લોકો તો ભારતીય વિદ્યાર્થીઓ હોય છે.

28 વર્ષિય એક યુવક જે વર્ષ 2023માં સ્ટડી પરમિટ પર કેનેડા ગયો હતો તે બ્રેમ્પટન કોલેજમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો છે. તેનો પરિવાર ભારતમાં મજૂરી કરે છે પણ 22 લાખ રૂપિયા દેવું કરી તેને કેનેડા મોકલવામાં આવ્યો. તેણે જણાવ્યુ કે દેવું ચૂકવવા માટે કેનેડામાં તેને 2 શિફ્ટમાં કામ કરવું પડે છે. મુશ્કેલીથી 5 કલાકની ઊંઘ મળે છે.

કેનેડા એક જેલની જેમ છે, જ્યાં બધી સુવિધાઓ છે પણ તમે તેમાંથી બહાર નથી નીકળી શકતા. કેનેડામાં એક વ્યક્તિ કે જે સામાજિક સેવાના રૂપમાં કામ કરે છે અને ભારતીય વિદ્યાર્થીઓની મદદ કરે છે. તેઓ કહે છે કે ભારતીય બાળકો આરામદાયક જીવન જીવતા હોય છે અને માતા-પિતા પણ તેમની સારી દેખરેખ રાખતા હોય છે. એવામાં જ્યારે તેઓ કેનેડા આવે છે ત્યારે તેમના માથા પર ઘણી જવાબદારીઓ આવી જાય છે અને આને કારણે તેમને માનસિક તણાવ પણ થાય છે.

કેનેડામાં 55થી70 પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે, જેને કારણે કેટલાક વિદ્યાર્થીઓ નશાના આદી થઇ જાય છે અને શારીરિક-માનસિક રૂપે બીમાર થઇ જાય છે. ભારતના વિદેશ રાજ્યમંત્રી વી, મુરલીધરે થોડા સમય પહેલા જ રાજ્યસભામાં આંકડા પેશ કર્યા, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે 2018 થી 2023 સુધી 403 ભારતીયોનું વિદેશમાં મોત થઇ ચૂક્યુ છે અને તેમાંથી 95ના મોત તો કેનેડામાં થયા છે.

એક કેનેડિયન પત્રકારે કહ્યુ કે સ્ટડી પરમિટ કેનેડામાં પ્રવેશનું એક સાધન છે. અહીંના અધિકાંશ વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કર્યા બાદ ટ્રક ડ્રાઇવર, ટેક્સી ડ્રાઇવર, ડિલીવરી વર્કર કે હોટલમાં કામ કરે છે. જેનો અભ્યાસ કર્યો હોય તેની નોકરી કંઇ બધાને મળતી નથી. કેનેડામાં હાલની સ્થિતિ ખરાબ છે. વિદ્યાર્થીઓને તો દુરની વાત છે, પરંતુ કેનેડાના સ્થાનિક લોકોને પણ નોકરી મળતી નથી.

જાન્યુઆરી 2024થી કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર પ્રતિંબંધ લગાવ્યો છે. બે વર્ષ માટે 35 ટકાનો ઘટાડો કર્યો છે. કેનેડા હવે એ આંતરારાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જેઓ માસ્ટર્સ કે ડોક્ટરેટ કરતા હોય તેમના પતિ કે પત્નીને વિઝા આપે છે. એનાથી ઉતરતા અભ્યાસ માટે પત્ની કે પત્નીને વિઝા મળતા નથી.

Shah Jina