વિદેશ ફરવા જવાનો ઉત્સાહ કંઇક અલગ જ હોય છે અને આ કોઇ પણ ઉંમરના લોકોમાં હોય છે. વિદેશ ટ્રિપ માટે તો લોકો કેટલાય મહિનાઓથી તૈયારી કરે છે અને એ પણ નક્કી કરે છે કે તેઓ એરપોર્ટ પર પહોંચશે અને પછી ફ્લાઈટમાં બેસી જ્યાં જવાનું છે ત્યાં પહોંચશે ત્યાં શું કરશે, શું જોશે, શું ખાશે-પીશે વગેરે…પણ જો એરપોર્ટ પર ઉતરી પેક કરેલો સામાન ના મળે તો ? તમે પણ એવું કહેશો કે આખા મૂડની પથારી ફેરવાઈ ગઇ…બરાબર ને. આવું જ અમદાવાદના બે વૃદ્ધ દંપતી સાથે થયું.
કિરીટ પટેલ અને દિનેશ પટેલ બંને તેમના પત્નીઓ જ્યોત્સના પટેલ અને મંજુલા પટેલ સાથે ત્રણ મહિનાની કેનેડા, મેક્સિકો અને યુએસની ટ્રીપ પર નીકળ્યા હતા. જો કે, તેમણે આ દરમિયાન એવું નહિ વિચાર્યુ હોય કે ટ્રીપની શરૂઆતમાં જ તેમને મોટો ઝટકો લાગશે. 12 જૂને અમદાવાદથી મુંબઈ જવા માટે વૃદ્ધ દંપતિ ઈન્ડિગોની ફ્લાઈટમાં બેઠા અને પછી તેઓ અહીંથી ટોરેન્ટો માટેની ફ્લાઈટ લેવાના હતા.
જો કે, તેમનો સામાન મુંબઈમાં જ રહી ગયો અને તેમના પરિવારજનો તેને મેળવવા માટે અઠવાડિયા સુધી વિવિધ એરલાઈન્સમાં પૂછપરછ કરતાં રહ્યા અને એરપોર્ટના ધક્કા ખાતા રહ્યા. પહેલા ઈન્ડિગોની ફ્લાઈટમાં તેઓ બેસવાના હતા અને ફ્લાઈટ 50 મિનિટ મોડી હતી. આ કારણે તેઓ કનેક્ટિંગ ફ્રાન્સ એરલાઈનની ફ્લાઈટ ચૂકી ગયા અને તેમને ટોરેન્ટો પહોંચવા માટે છેલ્લી મિનિટે એતિહાદ એરલાઈન્સની વાયા અબુધાબી ફ્લાઈટ બુક કરાવવી પડી.
કિરીટ પટેલના દીકરાએ અમદાવાદ મિરર સાથે વાત કરતાં ઝણાવ્યુ કે, લાંબી ટ્રીપ માટે તેમણે બેગમાં કપડા, દવાઓ, રોકડ વગેરે પેક કર્યું હતું. દંપતિ જ્યારે કેનેડામાં ઉતર્યા ત્યારે તેમણે સામાન માટે ત્રણ કલાક રાહ જોઈ પણ સામાન ના આવતાં તેમણે એતિહાસ એરલાઈન્સ સમક્ષ લગેજ ખોવાઈ ગયો હોવાની ફરિયાદ કરી. તે પછી કિરીટ પટેલના દીકરાએ આખું અઠવાડિયું સામાન શોધવા પાછળ કાઢ્યું અને ઈન્ડિગો એરલાઈનનો સંપર્ક પણ કર્યો.
આ ઉપરાંત સ્થાનિક એરપોર્ટ પર પણ તપાસ કરી. કિરીટ પટેલના દીકરા પાર્થે આગળ જણાવ્યુ- છેલ્લા એક અઠવાડિયાથી તે અને સંબંધીઓ રોજ અમદાવાદ એરપોર્ટના ધક્કા ખાય છે અને એરપોર્ટ મેનેજમેન્ટ સ્ટાફની સલાહ પ્રમાણે જુદી-જુદી એરલાઈન્સને ઈ-મેઈલ પણ કરે છે. તેમને વધારે ચિંતા તો દવાઓની હતી કારણ કે તેના માતા-પિતા હાયપરટેન્શન સહિતની વિવિધ દવાઓ લે છે અને હેન્ડબેગમાં જે દવાઓ મૂકવામાં આવી હતી તે પણ પૂરી થઈ ગઈ છે.
લાંબા સમય સુધી ખોવાયેલા સામાન અંગે કોઈ જ જાણકારી ન મળતા તેણે આખરે અમદાવાદ એરપોર્ટ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી. જો કે, 19 જૂને ઈન્ડિગો એરલાઈન તરફથી ઈ-મેઈલનો જવાબ આવ્યો અને સામાન મુંબઈ એરપોર્ટ પર રહી ગયો હોવાની જાણકારી મળી. જો કે, આ સામાન રહી જવા પાછળ કોની ભૂલ છે તે હજુ સ્પષ્ટ થયું નથી. તેણે કહ્યુ કે, ભૂલ જેની પણ હોય તેમના લીધે તેના માતા-પિતાનું અને બજા કપલનું વેકેશન ખરાબ થયું છે.