ખબર

વાહ…આ DSP સાહેબને દિલથી સલામ, માનીતો ભાઈ બનીને ગરીબ ઘરની દીકરીના એવી રીતે ધામધૂમથી કરાવ્યા લગ્ન કે લોકો પણ જોતા જ રહી ગયા, જુઓ

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ઠેર ઠેર મોટા પ્રમાણમાં લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાતા જોવા મળી રહ્યા છે, ત્યારે દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેમના લગ્ન ખુબ જ ધામધૂમથી થાય અને દુનિયા જોતી રહી જાય. પરંતુ ઘણીવાર ગરીબ ઘરની દીકરીઓના આ સપના પૂર્ણ નથી થતા.

ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે, જેને લોકોનું દિલ જીતી લીધું છે. ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં ડીએસપીના પ્રયાસોથી એક ગરીબ દીકરીના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા. જેમાં યુવતી વતી લગ્નની તમામ વિધિ પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી. ચંદૌલી પોલીસ દ્વારા આયોજિત દહેજ વગરના આ લગ્નમાં જિલ્લા તેમજ આસપાસના લોકોના સેંકડો લોકો હાજર રહ્યા હતા અને વર-કન્યાને આશીર્વાદ આપ્યા હતા.

ચંદૌલી સકલદિહા સર્કલમાં ફરજ બજાવી રહેલા ડેપ્યુટી એસપી અનિરુદ્ધ સિંહને માહિતી મળી કે આવાજાપુર ગામની શિખા યાદવ પૈસાના કારણે લગ્ન નથી કરી શકતી. કારણ કે શિખાના પિતા ખૂબ જ ગરીબ છે અને દહેજની રકમ એકત્રિત કરવામાં અસમર્થ છે. ડેપ્યુટી એસપી અનિરુદ્ધ સિંહે પોતાના સહયોગીઓ સાથે વાત કરી અને શિખા યાદવના લગ્નની જવાબદારી પોતાના માથે લીધી.

આ પછી પોલીસે શિખા યાદવ સાથે લગ્ન કરવા માટે છોકરાની શોધ કરી અને 23 એપ્રિલે ચંદૌલીના રહેવાસી સૌરભ નામના યુવક સાથે લગ્ન નક્કી કરવામાં આવ્યા. ડેપ્યુટી એસપી અનિરુધ સિંહ અને તેમના સાથીઓએ આ લગ્નની તૈયારીઓ કરી હતી અને લગ્નમાં આવનારા તમામ લોકો માટે ખાવા-પીવા વગેરેની વ્યવસ્થા કરી હતી.

જ્યારે જાન લગ્નના માંડવે પહોંચી ત્યારે તમામ પોલીસકર્મીઓ હાથમાં માળા લઈને જાનૈયાનું સ્વાગત કરવા ઉભા જોવા મળ્યા હતા. આ પછી આ પોલીસકર્મીઓએ જાનનું સંપૂર્ણ સન્માન સાથે સ્વાગત કર્યું હતું. જ્યારે વરમાળાનો સમય આવ્યો ત્યારે ડીએસપી સહિત અન્ય પોલીસકર્મીઓ છોકરીના ભાઈ તરીકે હાજર થયા અને યુવતીને પરંપરાગત રીતે સ્ટેજ પર લઈ ગયા.

વરમાળા સમારોહ સંપન્ન થયા બાદ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને આ અનોખા લગ્નમાં હાજરી આપવા આવેલા વિસ્તારના સેંકડો લોકોએ વર-કન્યાને આશીર્વાદ આપ્યા હતા અને સફળ દામ્પત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. બીજી તરફ, કન્યા શિખા, વર સૌરભ અને તેમનો પરિવાર આ લગ્નથી ખુશ હતો. લગ્નમાં હાજરી આપવા આવેલા લોકોએ પણ પોલીસના આ પગલાની પ્રશંસા કરી હતી.