સગી બહેને જ ભાઈ-ભત્રીજીની કરી હતી હત્યા, આજીવન કેદની સજા ભોગવી રહેલી હત્યારી ડોક્ટર જેલમાંથી ગઈ, જાણો કઈ રીતે

પાટણમાં 2019માં સગાભાઈ અને ભત્રીજીની ઠંડા કલેજે હત્યા કરનારી ડોક્ટર બહેનને કોર્ટે દોષિત જાહેર કરી હતી અને તે બાદ તેને આજીવન કેદની સજા ફટકારાઇ હતી. ત્યારે હવે આ ચકચારી કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ડેન્ટિસ્ટ ડોક્ટર કિન્નરી પટેલને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. ત્યારે કિન્નરી 3 વર્ષ અને 9 માસનો જેલવાસ ભોગવી જામીન પર બહાર આવી છે. ઘટનાની પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદમાં રહેતાં નરેન્દ્રભાઈ પટેલ કે જેઓ સિદ્ધપુરના કલ્યાણા ગામના વતની છે,

તેમની ડેન્ટિસ્ટ દીકરી ડો.કિન્નરી પટેલે પોતાના જ સગાભાઈ જીગર અને ભત્રીજી માહીને પોટેશિયમ સાઈનાઈડ અને ધતુરાના બીજનો રસ આપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ મામલે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી અને તે બાદ ચાર્જશીટ થતાં એડિશનલ સેશન્સ કોર્ટ પાટણ દ્વારા 5 ડિસેમ્બર 2020ના રોજ ચુકાદો અપાયો હતો. આ દરમિયાન ડો.કિન્નરી પટેલને દોષિત ઠરાવીને જીવે ત્યાં સુધી જેલ ભોગવવા અને રૂ.50000 દંડનો આદેશ કર્યો હતો.

આ હુકમને કિન્નરી પટેલના વકીલે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી પડકાર્યો અને જે અપીલ હજુ ચાલી રહી છે. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર,જેલવાસ ભોગવી રહેલી ડોક્ટર કિન્નરી પટેલની જામીન અરજી રજૂ થતા સુનાવણી હાઇકોર્ટના જસ્ટિસ એસએચ વોરા, જસ્ટીસ બીના શાહ અને જસ્ટિસ એસ વી પિન્ટો સમક્ષ 31 માર્ચના રોજ ચાલી જતા આરોપીને રૂ. 50,000ના જામીન બોન્ડ ઉપર જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો. જો કે, જામીન માટે કેટલીક શરત પણ રાખવામાં હતી જેમાં ગુજરાતની હદ ન છોડવી સહિત અપીલના અંતિમ નિકાલ સુધી પાસપોર્ટ હોય તો સેશન્સ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવું અને ના હોય તો સેશન્સ કોર્ટ સમક્ષ એફિડેવિટ ફાઇલ કરવી,

તેમજ રહેઠાણનું સરનામું પોલીસ સ્ટેશનને આપવું અને અપીલના અંતિમ નિકાલ સુધી સરનામું કોર્ટની પૂર્વ પરવાનગી વિના બદલવું નહીં અને અપીલની સુનાવણીમાં નિયમિત રીતે નક્કી કરવામાં આવે ત્યારે હાજર રહેવું અને દર મહિને સંબંધિત પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થવું તેમજ જામીન દરમિયાન કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ ન કરવી જેવી સામેલ છે. ડો.કિન્નરીના વકીલે જામીન મળવા અંગે જણાવ્યું કે કિન્નરીએ હત્યા કરી તેનો પુરાવો જણાયો નથી અને નજરે જોનાર પણ કોઇ સાક્ષી નથી. તેમજ હત્યાનું કારણ પણ પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું નથી.

Shah Jina