મહેસાણામાં મોટી હસ્તીએ કોલેજના રૂમમાં ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત, કારણ જાણી પરિવાર હચમચી ગયો

Mehsana Suicide news : ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. ત્યારે હાલમાં મહેસાણાથી આપઘાતનો મામલો સામે આવ્યો છે, જેમાં શનિવારે સવારે અર્બન બેન્કના ડિરેક્ટર અને રણેલા કોલેજના મુખ્ય ટ્રસ્ટી કિરીટભાઈ બી.પટેલે તેમની કોલેજની હોસ્ટેલના એક રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો. આપઘાતનું કારણ સુસાઇડ નોટમાં ઇન્દોર, દિલ્હી અને અમદાવાદના પાંચ લોકોએ શૈક્ષણિક સંસ્થાના નામે રૂ.2.40 કરોડની છેતરપિંડી કર્યુ હોવાનું સામે આવ્યુ છે.

ઘટનાની જાણ થતા જ પોલિસ પહોંચી હતી અને હાલ આ મામલે મોઢેરા પોલીસે પાંચ લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. બહુચરાજીના રણેલા ગામના વતની અને માજી ધારાસભ્યના પુત્ર કિરીટભાઈ પટેલની ગામમાં જ સરસ્વતી મહિલા બીએડ કોલેજ છે અને તેઓ ત્યાં જ હોસ્ટેલના એક રૂમમાં રહેતા હતા. તેમનો પરિવાર કે જેમાં પત્ની અને પુત્ર છે તેઓ મહેસાણા ખાતે રહે છે.

જ્યારે શનિવારે સવારે હોસ્ટેલના રૂમમાંથી તેમનો આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો ત્યારે ચકચારી મચી ગઇ. આપઘાત પહેલા મૃતકે સુસાઇડ નોટ લખી હતી, જે ખિસ્સામાંથી મળી અને આ ચાર પાનાની સુસાઇડ નોટ કે જે સરસ્વતી મહિલા કોલેજના લેટરપેડ પર લખેલી હતી તેમાં તેમની સાથે શૈક્ષણિક સંસ્થાના નામે છેલ્લા દોઢેક વર્ષમાં રૂ.2.40 કરોડની રકમ નિલેશ ત્રિવેદી (ઇન્દોર, મધ્યપ્રદેશ), હરીશ ગુપ્તા (દિલ્હી), અભિષેક શુક્લા અને કૃપાબેન અભિષેકભાઈ શુક્લા (અમદાવાદ) તેમજ અમીબેન જોશી (અમદાવાદ)એ છેતરપિંડીથી મેળવી હતી અને પરત નહોતી આપી હોવાનું જણાવ્યું.

આ સુસાઇડ નોટના આધારે મૃતકના ભાઇએ પાંચેય લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મૃતકે સુસાઇડ નોટમાં નાણાકીય હિસાબ પણ લખ્યો હતો. જે કે, કોઇ એ માનવા તૈયાર નથી કે પૈસાના કારણે કિરીટભાઇએ આપઘાત કર્યો છે. કારણ કે, તે પોતે ગર્ભશ્રીમંત પરિવારમાંથી આવે છે. એવું લોકમુખે ચર્ચાઇ રહ્યુ છે કે સામાજિક કારણોસર તેમણે આ પગલું ભર્યું હોઈ શકે. પરંતુ હાલ તો કાગળ પર આવું જ કંઇ લખ્યુ નથી.

Shah Jina