જાણો શા કારણે યુસુફ ખાને પોતાનું નામ દિલીપ કુમાર કરી નાખ્યું હતું, આ વ્યક્તિથી હતો તેમને માર ખાવાનો ડર, જાણો દિલચસ્પ કહાની

આજે બોલીવુડના એક દાયકાનો અંત આવી ગયો. બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર આજે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા. 98 વર્ષીય દિલીપ કુમારે હિન્દી સિનેમા જગતને સદાબહાર ફિલ્મો આપી છે. તેમના અભિનયના દીવાના ભારતમાં જ નહિ પરંતુ પાકિસ્તાનમાં પણ જોવા મળે છે. કરોડો લોકો દિલીપ કુમારના અભિનયના પ્રસંશક હતા, આજે તેમના સૌ ચાહકોને મોટો ઝટકો લાગ્યો, જયારે તેમને છેલ્લા શ્વાસ લીધા.

દિલીપ કુમાર તેમના જમાનાના સુપર સ્ટાર હતા. તેમને એકથી એક ચડિયાતી ફિલ્મોમાં કામ કરીને પોતાનું એક આગવું નામ બનાવ્યું. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે જે નામથી તે દુનિયાભરમાં પ્રખ્યાત બન્યા તે નામ તેમને માત્ર ફિલ્મી દુનિયા માટે જ અપનાવ્યું હતું, અને તે પણ એક વ્યક્તિના ડરના કારણ તેમને પોતાનું અસલી નામ છુપાવ્યું હતું.

દિલીપ કુમારનું સાચું નામ મોહંમદ યુસુફ ખાન હતું. પરંતુ જયારે તેમને ફિલ્મોમાં આવવાનું મન બનાવી લીધું ત્યારે તેમને પોતાનું નામ બદલવું પડ્યું. કારણ કે તેમના પિતા ફિલ્મી દુનિયાને પસંદ નહોતા કરતા અને તે નહોતા ઇચ્છતા કે તેમનો દીકરો આ ફિલ્મોની દુનિયામાં પગ મૂકે. દિલીપ કુમારે પોતે જ આ વાતને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવી હતી.

એક ઇન્ટરવ્યૂમાં જયારે દિલીપ કુમારને સવાલ પૂછવામાં આવ્યો કે તેમને કેવી રીતે દિલીપ કુમાર નામને અપનાવ્યું ? તો આ સાંભળીને તે હસવા લાગ્યા અને પછી કહ્યું કે, “હકીકત જણાવું, માર ખાવાના ડરથી મેં આ નામ રાખ્યું હતું. મારા પિતાજી ફિલ્મોની સખત વિરુદ્ધ હતા. તેમના ખાસ મિત્રના દીકરા પૃથ્વીરાજ કપૂર ફિલ્મમાં અભિનય કરતા હતા અને મારા પિતા મોટાભાગે તેમના મિત્રને ફરિયાદ કરતા હતા કે તમારો આટલો નૌજવાન છોકરો આ શું કામ કરે છે.”

તેમને આગળ જણાવ્યું કે “હું જયારે ફિલ્મોમાં આવ્યો ત્યારે મને તેમનો ડર હતો કે જયારે તેમને ખબર પડશે ત્યારે તે ખુબ જ નારાજ થશે. એ સમયે બે ત્રણ નામ રાખવામાં આવ્યા હતા કે યુસુફ ખાન રાખવામાં આવે, દિલીપ કુમાર રાખવામાં આવે કે વાસુદેવ રાખવામાં આવે. તો મેં કહ્યું યુસુફ ખાન છોડીને કંઈપણ રાખી દો.  બે ત્રણ મહિના પછી એક જાહૅરાતમાં પોતાનું નામ જોયું તો મને ખબર પડી કે મારુ નામ દિલીપ કુમાર રાખવામાં આવ્યું છે.”

Niraj Patel