નવસારી નજીક થયેલા અકસ્માતમાં બે જીગરજાન મિત્રોના થયા દુઃખદ મોત, સાથે જ નીકળી અંતિમયાત્રા, આખું ગામ હીબકે ચઢ્યું…

નવસારીના અકસ્માતમાં ધોરાજી-ગોંડલના બે પાક્કા મિત્રોના મોત, હૃદય ધ્રુજી જાય એવા દ્રશ્યો આવ્યા સામે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. આવા સંકટમાં ઘણીવાર પરિવારનો એકનો એક દીકરો કે પરિવારના કોઈ મોભીનું પણ નિધન થઇ જતું હોય છે, જેના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળતો હોય છે. બે દિવસ પહેલા જ નવસારી પાસે કાર અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. (તમામ તસવીરો સૌ. દિવ્ય ભાસ્કર)

ત્યારે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોમાં બે જિગરજાન ભાઈબંધના પણ એકસાથે જ મોત થયા છે. જેમના મોતની ખબરે આખા ગામમાં અરેરાટી મચાવી દીધી છે. આ બંને મિત્રો અંકલેશ્વરની એક ફાર્મા કંપનીમાં નોકરી કરતા હતા. તે બંને કારમાં ફરવા માટે સેલવાસ ગયા હતા. જ્યાં વહેલી સવારે જ કાર પરનો કાબુ ગુમાવતા કાર નવસારી તરફ જઈ રહેલી બસમાં અથડાતા ભીષણ અકસમાત સર્જાયો હતો. જેમાં આ બંને મિત્રો સહીત 9 લોકોના મોત થયા.

આ બંને જીગરજાન મિત્રોમાંથી એક મૂળ ગોંડલના ગુંદાળાનો રહેવાસી 24 વર્ષીય ધર્મેશ પ્રકાશભાઈ શેલાડિયા હતો તો બીજો મિત્ર ધોરાજીના ભાદાજાળિયા ગામના 25 વર્ષીય જયદીપ કાંતિભાઈ પેથાણી હતો. આ બંને ખુબ જ પાક્કા મિત્રો હતો. તેમની અંતિમયાત્રા એક સાથે પોત પોતાના ગામમાં નીકળી હતી. જેમાં પરિવારના સદસ્યો સાથે આખું ગામ હીબકે ચડ્યું હતું. આ અંતિમ યાત્રામાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા.

ધર્મેશ તેના પરિવારનો એકમાત્ર દીકરો હતો. તેને એક બહેન પણ છે. એકનો એક દીકરો ગુમાવતા ધર્મેશના પિતા પ્રકાશભાઈ પણ તૂટી ગયા છે. તેમને ઊંડો આઘાત લાગ્યો છે. તેના પિતા ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે, દીકરા પાસે તેમને ઘણી આશાઓ હતી, તે તેમનો આધારસ્તંભ હતો. BMSC કેમિકલનો અભ્યાસ કર્યા બાદ તે અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા પ્રોડક્શન ઓફિસર ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો.

Niraj Patel