PUBGએ લઇ લીધો વધુ એક યુવકનો જીવ, ગેમ રમતા રમતા યુવકે બૂમ પાડી અને થઇ ગયું મોત

આજકાલના યુવા વર્ગની અંદર ઓનલાઇન ગેમ રમવાનું વ્યસન ખુબ જ વધી ગયું છે. આપણી આસપાસ પણ તમે જોશો તો ઘણા યુવકો ઓનલાઇન ગેમ જ રમતા તમને જોવા મળશે. આવી ઓનલાઇન ગેમના કારણે ઘણી દુર્ઘટનાઓ પણ બનતી જોવા મળે છે. હાલ પણ એક એવી જ ખબરે માહોલ ગરમ કર્યો છે. જેમાં 11માં ધોરણમાં અભ્યાસ કરી રહેલા એક યુવકનું પબજી ગેમ રમતા રમતા મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ તાજો મામલો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના દેવાસમાંથી, જ્યાં એક 18 વર્ષના યુવકનું પબજી ગેમ રમતા રમતા જ મોત થઇ ગયું છે. યુવકનું નામ દિપક જણાવામાં આવી રહ્યું છે. આ ઘટના દેવાસના ઔદ્યોગિક ક્ષેત્ર શાંતિનગરની છે. 11માં ધોરણમાં ભણતો દિપક ગેમ રમતા રમતા અચાનક બૂમો પાડવા લાગ્યો તેના બાદ તેનું મોત થઇ ગયું.

જણાવામાં આવી રહ્યું છે કે દિપક પગથી દિવ્યાંગ હતો અને હાલમાં જ તેને ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હતી. દિપક તેના ઘરમાં મોબાઈલની અંદર પબજી ગેમ રમતો હતો. આ સમયે ઘરની અંદર તેની ભાણી સિવાય બીજું કોઈ નહોતું. ગેમ રમતા રમતા દિપક બૂમો પાડવા લાગ્યો, જે તેની ભાણીએ સાંભળી અને આસપાસના લોકોને ભેગા કર્યા, જેના બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ રસ્તામાં જ દીપકનું મોત નીપજ્યું.

યુવકના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડી શકે છે કે તેનું મોત ક્યાં કારણોના લીધે થયું હતું. દીપકના પરિવારજનોનું કહેવું છે કે દિપક દિવ્યાંગ હોવાના કારણે ઘરમાંથી બહાર નીકળતો નહોતો અને ઘરમાં જ બેસીને સતત પબજી રમ્યા કરતો હતો અને છેલ્લા બે દિવસથી તે મોબાઈલમાં કંઈક વધારે જ વ્યસ્ત રહેતો હતો.

Niraj Patel