બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં જ માતા બની છે. અભિનેત્રીએ સપ્ટેમ્બર મહિનામાં એક સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 8 સપ્ટેમ્બરે તેમના પહેલા બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યું અને આ દીકરીનું નામ કપલે દુઆ રાખ્યુ. દીપિકા પાદુકોણ માતા બન્યા બાદ હાલમાં જ પહેલીવાર જાહેરમાં સ્પોટ થઇ હતી. એક્ટ્રેસ તેના એક્ટર પતિ રણવીર સિંહ અને સાસુ સાથે મુંબઇના કલીના એરપોર્ટ પર સ્પોટ થઇ હતી.
એક્ટ્રેસની તેની દીકરી સાથે પહેલી ટ્રિપ છે. થોડા સમય પહેલા જ દીપિકા પાદુકોણે એક ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી અને જણાવ્યું કે માતા બન્યા પછી તેની હાલત કેવી છે અને તેને કેવા સંઘર્ષનો સામનો કરવો પડે છે. દીપિકાએ એમ પણ કહ્યું કે આ દિવસોમાં તેના માટે ખાવું અને નાહવું સરળ નથી. દીપિકા પાદુકોણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો, જે તેની પોતાની દીકરીનો નથી પણ અન્ય કોઈ પેજ પર શેર કરવામાં આવ્યો છે.
જેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું અહીંયા પોતાને જાગતી રાખું છું, જો હું સૂઈ જઈશ… મારી માતા સ્નાન કરશે, ખાશે, ઘર સાફ કરશે… મારે આંખનો પલકારો પણ નથી મારવાનો. આ સ્ટોરી શેર કરતી વખતે દીપિકાએ કેપ્શન આપ્યું, ‘તે સાચું છે.’ અભિનેત્રીએ પણ પોતાની લાગણી વ્યક્ત કરી અને સ્પષ્ટતા કરી કે તેની હાલત પણ વીડિયોમાં વ્યક્ત કરાયેલી લાગણીઓ જેવી જ છે. જણાવી દઈએ કે, આ વર્ષ દીપિકા પાદુકોણ માટે ખૂબ જ શાનદાર રહ્યું. પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલ લાઈફ સુધી તેને ઘણી સફળતાઓ મળી.
આ વર્ષે, અભિનેત્રીની બે ફિલ્મો રિલીઝ થઈ અને બંનેએ બોક્સ ઓફિસ પર કમાલ કરી દીધી. વર્ષની શરૂઆતમાં અભિનેત્રી ‘કલ્કી 2898 એડી’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનું પાત્ર લોકોને પસંદ આવ્યું અને હાલમાં જ રિલીઝ થયેલી ‘સિંઘમ અગેઇન’માં પણ એક્ટ્રેસ જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ પોલીસ ઓફિસર શક્તિ શેટ્ટીની ભૂમિકા ભજવી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.