BREAKING: અરબોપતિ સાયરસ મિસ્ત્રીનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો સામે, જાણો મોતનું સાચુ કારણ

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે બપોરે 3 વાગ્યે કાર અકસ્માતમાં મોત થયું હતું. ડિવાઈડર સાથે કાર અથડાવાને કારણે અકસ્માત થયો હતો. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, સાયરસ મિસ્ત્રી અને તેમની સાથે કારમાં સવાર અન્ય લોકો પાલઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેમની કાર પુલ પહેલા બનાવેલ ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કંપનીના ડિરેક્ટરે તેમના મોતની પુષ્ટિ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાયરસ મિસ્ત્રીની સાથે કારમાં જહાંગીર દિનશા પંડોલ, અનાહિતા પંડોલ, ડેરિયસ પંડોલ હતા. અનાહિતા પંડોલે કાર ચલાવી રહ્યા હતા અને સાયરસ મિસ્ત્રી તેંજ જહાંગીર બંને પાછળ બેઠેલા હતા. બંનેએ સીટ બેલ્ટ પહેર્યો નહોતો અને તેને કારણે સાયરસ મિસ્ત્રીનું મોત હોસ્પિટલ પહોંચે તે પહેલા જ થઇ ગયુ હતુ અને જહાંગીર પંડોલેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. જો કે, અનાહિતા પંડોલ અને ડેરિયસ પંડોલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

સાયરસ મિસ્ત્રીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ અને હવે તેનો રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં પગ અને માથામાં ગંભીર ઈજાઓ તેમજ શરીરના અન્ય ભાગો પર પણ ઈજાના નિશાન જોવા મળ્યા. પ્રથમ પોએમમ રિપોર્ટમાં સાયરસ મિસ્ત્રી અને જહાંગીરનું મોત માથામાં ઈજાના કારણે થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર સાયરસ મિસ્ત્રીના શરીરના ઇન્ટરનલ ઓર્ગન ખરાબ રીતે ઘાયલ થયા હતા. જેને મેડિકલ ટર્મમાં પોલીટ્રોમા કહે છે. જેના કારણે સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

રવિવારે તેમની કાર પાલઘર પાસે ડિવાઈડર સાથે અથડાઈ હતી. જે બાદ તેનું મોત નીપજ્યું હતું. તે અમદાવાદથી મુંબઈ આવી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત થયો હતો. અકસ્માત સમયે સાયરસ મિસ્ત્રી મર્સિડીઝ કારમાં સવાર હતા. જો કે, અકસ્માત બાદ કંપનીઓના સલામતીના દાવા પર સવાલો ઉઠી રહ્યા છે. મર્સિડીઝ જેવી કારમાં પણ તેમનો જીવ બચી શક્યો નહિ. આ અકસ્માત તેજ ગતિને કારણે પણ થયો હોવાનું મનાય છે. પોલિસના જણાવ્યા અનુસાર કારે 9 મિનિટમાં 20 કિમી જેટલું અંતર કાપ્યું હતું.

આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં કાર અકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મૃત્યુના સમાચારે દેશને હચમચાવી નાખ્યો હતો. સત્તાવાર ડેટા દર્શાવે છે કે આ હાઇવે એ માત્ર સાયરસ મિસ્ત્રી જ નહીં ઘણા લોકોના જીવન છીનવી લીધા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે થાણેના ઘોડબંદર અને પાલઘર જિલ્લાના દાપચારી વચ્ચેના મુંબઈ-અમદાવાદ હાઈવેના 100 કિલોમીટરના પટમાં આ વર્ષે 262 અકસ્માતો થયા છે જેમાં ઓછામાં ઓછા 62 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 190થી વધારે ઘાયલ થયા છે.

આમાંના ઘણા બનાવોમાં, ડ્રાઇવર દ્વારા ઓવર સ્પીડિંગ જીવલેણ સાબિત થાય છે. જો કે, અધિકારીઓ એમ પણ કહે છે કે રસ્તાની નબળી જાળવણી, યોગ્ય ચિહ્નોનો અભાવ અને ઝડપને અંકુશમાં લેવાના પગલાં પણ અકસ્માતોની મોટી સંખ્યા માટે જવાબદાર છે.આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 25 ગંભીર અકસ્માતોમાં 26 લોકોના મોત થયા છે. ચિંચોટી નજીક 34 ગંભીર અકસ્માતોમાં 25 લોકોના મોત થયા છે, જ્યારે મનોર પાસે 10 અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચરોટી બ્લેક સ્પોટ છે.

મોટાભાગના અકસ્માતો ચરોટીથી મુંબઈ તરફના 500 મીટર સુધીના રસ્તા પર થાય છે. અહીં રોડ સૂર્યા નદી પરના પુલ પહેલાં વળે છે, કારણ કે ત્રણ-માર્ગીય કેરેજવે બે ભાગમાં સાંકડો થઈ જાય છે, જે મુંબઈ તરફ જાય છે. હાઈવે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, હાઈવે પર પુલ પર પહોંચતા પહેલા કોઈ અસરકારક રોડ સાઈન અથવા સ્પીડ સ્ટોપ સાઈન અને ચેતવણીના ચિહ્નો નથી.

રસ્તાની જાળવણી માટે જવાબદાર ઇન્ડિયન રોડ કોંગ્રેસની સલામતી માર્ગદર્શિકાની અવગણના કરવામાં આવી હોવાનું જણાય છે. હાઈવે પોલીસના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે આ રોડ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના કાર્યક્ષેત્રમાં આવે છે, પરંતુ તેની જાળવણીની જવાબદારી ખાનગી ટોલ વસૂલતી એજન્સીની છે.

નિયમ એવો છે કે એજન્સીએ દર 30 કિલોમીટરે એક એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય પર રાખવી જોઈએ. ક્રેન અને પેટ્રોલિંગ વાહનો પણ હોવા જોઈએ. મહારાષ્ટ્ર પોલીસે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને પત્ર લખીને સલામતીનાં પગલાં અંગે નિષ્ણાતનો અભિપ્રાય માગ્યો છે અને સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટને રોડ સેફ્ટી ઑડિટ કરવા જણાવ્યું છે.

Shah Jina