આપણા હિન્દૂ ધર્મની અંદર ગાયને માતાનો દરજ્જો મળેલો છે, એવુ પણ કહેવામાં આવે છે કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે અને વાર તહેવારે ગાયની પૂજા પણ કરવામાં આવે છે, વળી શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઘરમાં બનતી પહેલી રોટલી ગાય માટે હોવી જોઈએ, ઘણા લોકો ગાયને ખુબ જ સારી રીતે સાચવતા પણ હોય છે, પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તેને આખી દુનિયામાં ચર્ચાનો વિષય જગાવ્યો છે.

આ ઘટના આપણે ત્યાં નહિ પરંતુ બ્રિટનમાં બની છે. જ્યાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ગાયના કારણે 13 સપ્તાહની બાળકીનો જીવ બચી ગયો હતો. હકીકતમાં આ બાળકી હૃદયની બીમારી સામે લડી રહી હતી. આવી સ્થિતિમાં, ડૉક્ટરોએ બાળકીનું ઓપરેશન કર્યું અને તેના હૃદયમાં ગાયના શરીરની પેશીઓ મૂકી. જેના કારણે બાળકીનું ઓપરેશન સફળ રહ્યું હતું અને હવે બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે. આ ઘટના સાઉથ ઈસ્ટ લંડનના સિડકપ વિસ્તારની છે.

વિશ્વમાં લાખો બાળકો મિક્સ્ડ મિટ્રલ વાલ્વ નામની બીમારી સાથે જન્મે છે. આ રોગમાં બાળકોના હૃદયનો વાલ્વ બગડી જાય છે, જેના કારણે પીડિત બાળકના શરીરમાં લોહી અને ઓક્સિજનનો પુરવઠો ખોરવાય છે. જો આ રોગની સમયસર સારવાર ન કરવામાં આવે તો તેનાથી પીડિત બાળકો પણ જીવ ગુમાવે છે. સિડકપમાં રહેતી 13 સપ્તાહની છોકરી ફ્લોરેન્સ ફોક્સ પણ આ જ બીમારીથી પીડિત હતી.
બાળકીની બિમારીની જાણ થતાં તેના માતા-પિતાએ છોકરી થોડી મોટી થાય તેની રાહ જોઈ જેથી તે સર્જરીનો સામનો કરી શકે, પરંતુ અચાનક બાળકીની તબિયત બગડવા લાગી, ડોક્ટરોએ તાત્કાલિક બાળકીનું ઓપરેશન કરવાનો નિર્ણય લીધો. જો કે, ડોકટરો સામે એક સમસ્યા એ હતી કે પુખ્ત દર્દીઓમાં, સામાન્ય રીતે આ સમસ્યાના કિસ્સામાં, ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવે છે અને વાલ્વ નાખવામાં આવે છે. ક્યારેક દર્દીના હૃદયમાં મેટલ વાલ્વ પણ ફીટ કરવામાં આવે છે, પરંતુ આ બાળકી માત્ર 13 અઠવાડિયાની હોવાને કારણે બાળકીના હૃદયમાં મેટલ વાલ્વ લગાવવાથી ખતરો ઉભો થઈ શકે છે. આવી સ્થિતિમાં ડોક્ટરોને એક વિચાર આવ્યો.

ડોકટરોએ છોકરીના હૃદયમાં ગાયના હૃદયની પેશી નાખવાનું નક્કી કર્યું, જે બિલકુલ મેટલ વાલ્વ જેવું દેખાય છે. બાળકીનું હૃદય અખરોટ જેટલું હોય છે, આવી સ્થિતિમાં બાળકીની સર્જરી કરવી ડોક્ટરો માટે મોટો પડકાર હતો, પરંતુ 6 કલાકની મુશ્કેલ સર્જરી બાદ આખરે ઓપરેશન સફળ થયું. હાલમાં બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે અને હવે તેને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે.