કિશન ભરવાડ હત્યા કેસની અંદર આવ્યો મોટો વળાંક, મહિનાઓથી જેલમાં બંધ કિશનની હત્યાના આરોપી ઉસ્માનીને લઈને આવ્યા મોટા સમાચાર

ગત 25 જાન્યુઆરીના રોજ ધંધુકામાં એક યુવકની ધોળા દિવસે હત્યા કરી નાખવામાં આવી હતી, આ યુવક હતો કિશન ભરવાડ, જેને સોશિયલ મીડિયામાં એક વિવાદિત પોસ્ટ મૂકી હતી અને આ પોસ્ટને લઈને કિશને માફી પણ માંગી હતી, પરંતુ કેટલાક લોકોને તેની માફીથી પણ સંતોષ ના થયો અને તેની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.

કિશન ભરવાડની હત્યાનો મામલો આખા દેશમાં આગની જેમ ફેલાઈ ગયો હતો, પોલીસે પણ આ મામલામાં ઝડપી કાર્યવાહી કરી અને આરોપીઓને જેલની પાછળ ધકેલી દીધા હતા, આ કેસમાં દિલ્હીના મૌલાનાની પણ સંડોવણી સામે આવી હતી, જેના બાદ પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

ત્યારે હવે આ મામલામાં એક નવી અપડેટ સામે આવી છે, જેલમાં છેલ્લા 100થી પણ વધુ દિવસથી બંધ આરોપી કમરગની ઉસ્માનીના વકીલે કોર્ટમાં આરોપીના જામીન માંગ્યા હતા. ત્યારે ઉસ્માની દ્વારા કરવામાં આવેલી ડિફોલ્ટ જામીન અરજીને અમદાવાદ (જિલ્લા) ગ્રામ્ય કોર્ટમાં સ્થિત ગુજસીટોકની ખાસ અદાલતે ફગાવી દીધી છે.

આ મામલામાં અરજદારના વકીલ દ્વારા કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી આરોપી છેલ્લા 101 દિવસથી જેલમાં છે અને આ કેસની અંદર ચાર્જશીટ પણ તેના નિર્ધારિત સમયમાં ફાઈલ નથી કરવામાં આવી, જેથી અરજદાર ડિફોલ્ટ જામીન અરજી મેળવવાને પાત્ર બને છે. વકીલે એમ પણ જણાવ્યું કે અરજદાર ઉત્તર પ્રદેશમાં તેના દર્શાવેલા સરનામે રહે છે અને ક્યાંય પણ ભાગી જવાની સંભાવના નથી, પરંતુ કોર્ટે આ અરજીને માન્ય ના રાખી અને જામીન અરજી ફગાવી દીધી.

Niraj Patel