ના કોઈ ડેસ્ટિનેશન, ના કોઈ ખાસ જગ્યા, આ કપલે ખેતરમાં કરાવ્યું પ્રિવેડિંગ ફોટોશૂટ, ડાંગરના ખેતરના કીચડમાં આળોટીને પડાવ્યા એવા ફોટો કે… જુઓ

હાલ લગ્નની અંદર પ્રિ વેડિંગ ફોટોગ્રાફી કરવાનો એક ટ્રેન્ડ જોવા મળે છે. મોટાભાગના લોકો પોતાના લગ્ન પહેલા પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવે છે અને તેની યાદગીરીને જીવનભર સંભારણું બનાવીને રાખે છે. ત્યારે આ પ્રિ વેડિંગ કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ થતો હોય છે. તો ઘણા કપલ એવા પણ ફોટોશૂટ કરાવે છે જેની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર પણ છવાઈ જતી હોય છે. (Image Credit: Charlesci Visuals)

હાલ એવા જ એક કપલના ફોટોશૂટની તસવીરો વાયરલ થઇ રહી છે. આ કપલ કોઈ મોટી જગ્યાએ નહિ પરંતુ કીચડમાં જઈને ફોટોશૂટ કરાવતા જોવા મળી રહ્યા છે. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે.  આમાં એક કપલ કીચડમાં લપેટાયેલું જોઈ શકાય છે. બંનેએ અલગ-અલગ પોઝ સાથે તસવીરો ક્લિક કરાવી હતી.

વાયરલ થયેલી તસ્વીરોમાં જોવા મળતું આ કપલ ફિલિપાઈન્સના ઓર્મોક શહેરનો રહેવાસી છે. આ તસવીરો 24 વર્ષના જોન્સી ગુટીરેઝ અને ઈમે બોરીનાગાની છે. બંનેના પરિવાર ખેતી કરે છે. આ કારણોસર, તેણે તેના નવા જીવનની શરૂઆત માટે આ થીમ પસંદ કરી. તેના બેકગ્રાઉન્ડમાં લીલોતરી દેખાય છે. આ તસવીરો જાન્યુઆરી 2021માં ચાર્લીસી વિઝ્યુઅલ નામના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવી હતી.

જયારે તસવીરો પોસ્ટ થઇ ત્યારે પણ તેની ખૂબ જ ચર્ચા થઈ હતી અને હવે તે ફરી એકવાર વાયરલ થઈ રહી છે. લોકોને જોન્સી અને ઈમેની તસવીરો બાકીના કપલ કરતા અલગ લાગી કારણ કે આ દ્વારા તેમણે પ્રકૃતિ પ્રત્યેનો તેમનો પ્રેમ બતાવવાનો પ્રયાસ કર્યો છે. તેમજ શૂટને ખૂબ જ સિમ્પલ રાખવામાં આવ્યું છે. ઈમેના પરિવારના ડાંગરના ખેતરમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

આ પ્રી-વેડિંગ શૂટ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કપલે કહ્યું કે તેઓ ખેડૂતોના પરિવારમાં મોટા થયા છે, તેથી જ તેમણે આ થીમ પસંદ કરી છે. સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કરતી ઈમે કહે છે, ‘હું ખેતીને એવી નોકરી તરીકે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું જેને યોગ્ય ક્રેડિટ મળવી જોઈએ. હું ઇચ્છું છું કે લોકો એ જુએ કે કાદવમાં ચાલવું કેટલું મુશ્કેલ છે.”

તેને આગળ એમ પણ કહ્યું કે, “તડકાના આકરા તાપમાં ડાંગરના રોપા રોપતી વખતે કેવું લાગે છે. પીઠમાં દુખાવો થાય છે. આ બધું હોવા છતાં ખેડૂતો કોઈ ફરિયાદ વિના આનંદથી જીવે છે. આ વસ્તુ અમારા ફોટોશૂટ માટે પ્રેરણા બની.” ત્યારે આ તસવીરો પર લોકોએ પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપ્યા હતા. ઘણાએ કપલના આ ફોટોશૂટ માટે પ્રસંશા કરી તો ઘણા લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા હતા.

Niraj Patel